
આજે ઉત્તરાણનું પર્વ, રાજ્યમાં 488થી વધુ પક્ષી સારવાર કેન્દ્રો, 738 સ્વયંસેવકો ખડે પગે ફરજ બજાવશે
ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ઉત્તરાયણ પર્વમાં તા.10થી 20 જાન્યુઆરી દરમિયાન પતંગના દોરાથી અબોલ પક્ષીઓને ઘાયલ થતા બચાવવા માટે તથા ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર માટે “કરૂણા અભિયાન” હાથ ધરવામાં આવે છે. આ અભિયાનમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગ સાથે અન્ય સ્વયંસેવી સંસ્થાઓ પણ ઉત્સાહભેર પોતાનું યોગદાન આપે છે. રાજ્ય સરકાર દ્વારા કરૂણા અભિયાનનો પ્રારંભ વર્ષ-2017થી કરવામાં આવ્યો હતો. છેલ્લા સાત વર્ષમાં કરૂણા અભિયાન અંતર્ગત આશરે 80,000થી 85,000 પક્ષીઓને સારવાર આપવામાં આવી છે, જે પૈકી 75,000થી વધુ એટલે કે 91 ટકા પક્ષીઓને બચાવવામાં સફળતા મળી છે.
આ વર્ષે રાજ્યમાં કરૂણા અભિયાન અંતર્ગત અબોલ પક્ષીઓને સારવાર અને બચાવ કાર્ય માટે વન વિભાગ, પશુપાલન વિભાગ અને સ્વયંસેવી સંસ્થાઓ સાથે મળીને 459 કલેક્શન સેન્ટર અને 488 સારવાર કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યા છે. આ કેન્દ્રો પર 738 પશુચિકિત્સક અને 8,060 કર્મચારી તથા સ્વયંસેવકો ખડે પગે સેવા આપશે.
આ અભિયાનમાં વન વિભાગ દ્વારા હેલ્પ લાઇન નંબર 1926 તથા મોબાઈલ હેલ્પ લાઇન નંબર 83 2000 2000 કાર્યરત કરવામાં આવ્યો છે અને પશુપાલન વિભાગ દ્વારા હેલ્પ લાઇન નંબર :- 1962 કાર્યરત કરવામાં આવ્યો છે. અમદાવાદ જિલ્લામાં કરૂણા અભિયાન અંતર્ગત 20 સારવાર કેન્દ્રો ઉપર 54- સ્વયંસેવી સંસ્થાઓની ભાગીદારીથી 118 કલેક્શન સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે. કરૂણા અભિયાન અંતર્ગત અમદાવાદ જિલ્લામાં 216 વેટરનરી ડોકટર અને 2800 સ્વયંસેવકો ફરજ બજાવી રહ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા અભિયાન માટે સૂક્ષ્મ આયોજન કરી વધુમાં વધુ પક્ષીઓનો જીવ બચાવી શકાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. કરૂણા અભિયાન રાજ્ય સરકારનો જીવદયા પ્રત્યે શ્રેષ્ઠ અભિગમ દર્શાવતો એક આગવુ અભિયાન છે. આપણે સૌ સાથ મળીને આ જીવદયાના ઉમદા કાર્યમાં સહભાગી થઈને કરૂણા અભિયાન દરમિયાન રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા નાયબ વન સંરક્ષકની કચેરીની યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.