
વડોદરાથી ભાજપના સાંસદ રંજનબહેન ભટ્ટનો ચૂંટણી લડવાનો ઈન્કાર, જાણો શું છે કારણ?
વડોદરા: ગુજરાતના વડોદરામાં ભાજપમાં બધું ઠીક દેખાય રહ્યું નથી. અહીંથી ભાજપના સીટિંગ એમપી રંજનબહેન ભટ્ટે ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો છે. લોકસભા ચૂંટણી માટે આ બેઠક પરથી ત્રીજીવાર રંજનબહેન ભટ્ટને ટિકિટ આપવામાં આવી હતી, પરંતુ હવે તેમણે પોતાની ઉમેદવારીને પાછી ખેંચી છે. રંજનબહેન ભટ્ટ ગત 2 ટર્મથી સાંસદ છે.
તાજેતરમાં ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું આપ્યા બાદ પાછું લઈ લીધું હતું. તેના પછી જ રંજન બહેન સામે પોસ્ટર વોર સામે આવ્યું હતું. 2014માં પીએમ મોદીએ આ બેઠક પરથી બમ્પર જીત મેળવી હતી. તેના પછી પેટાચૂંટણીમાં રંજનબહેન ભટ્ટને મોકો આપવામાં આવ્યો અને તેમમે પણ આ બેઠક પર જીત પ્રાપ્ત કરી હતી. તેના પછી 2019માં પણ રંજનબહેન ભટ્ટને ટિકિટ આપવામાં આવી અને તેમણે રેકોર્ડ અંતરથી જીત પ્રાપ્ત કરી. આ વખતે ભાજપે સતત ત્રીજીવાર રંજનબહેન ભટ્ટને વડોદરાથી ટિકિટ આપીને મેદાનમાં ઉતાર્યા હતા.
રંજનબહેન ભટ્ટે સોશયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ઉમેદવારી પાછી ખેંચવાની ઘોષણા કરતા કહ્યું છે કે આ અંગત કારણોથી આમ કરી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે રંજનબહેનની ઉમેદવારીને લઈને કેટલાક દિવસ પહેલા એક પોસ્ટર વોર શરૂ થયું હતું. તેમાંથી કેટલાક પોસ્ટરોમાં લખવામાં આવ્યું હતું, કે મોદી તેરે સે બૈર નહીં, રંજન તેરી ખૈર નહીં. કેટલાકમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલની શહેર પ્રત્યેની રુચિમાં કમીનો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો.
મહત્વપૂર્ણ છે કે ગુજરાતની 26 લોકસભા બેઠકોમાંથી ભાજપ 22 બેઠકો પર પોતાના ઉમેદવારોને જાહેર કરી ચુક્યું છે. તેમાં રંજનબહેન ભટ્ટ સહીત ચાર મહિલાઓના નામ પણ સામેલ છે. રંજનબહેન ભટ્ટે ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો છે, તેના પછી હવે માત્ર ત્રણ મહિલા ઉમેદવારો જ મેદાનમાં છે.
આ સપ્તાહની શરૂઆતમાં કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ પણ લોકસભાની ચૂંટણી માટે અમદાવાદ પૂર્વની બેઠક પરથી પોતાની ઉમેદવારી પાછી ખેંચી હતી. તેમણે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેને પત્ર લખીને પાર્ટીના ઘણાં વરિષ્ઠ નેતાઓની વિરુદ્ધ આરોપ પણ લગાવ્યો હતો.