1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વડોદરા શહેરના ભાજપના મહામંત્રી સુનિલ સોલંકીને પત્રિકાકાંડમાં રાજીનામું આપવું પડ્યું
વડોદરા શહેરના ભાજપના મહામંત્રી સુનિલ સોલંકીને પત્રિકાકાંડમાં રાજીનામું આપવું પડ્યું

વડોદરા શહેરના ભાજપના મહામંત્રી સુનિલ સોલંકીને પત્રિકાકાંડમાં રાજીનામું આપવું પડ્યું

0
Social Share

વડોદરાઃ શહેર ભાજપ મહામંત્રી સુનીલ સોલંકીને કથિત પત્રિકાકાંડમાં રાજીનામું આપવાની ફરજ પડી છે. શહેર ભાજપમાં આંતરિક ખટરાગને લીધે સુનિલ સોલંકીએ રાજીનામું આપી દેતાં શહેરના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. રાજીનામું આપ્યું કે પાર્ટી કમાન્ડ દ્વારા લઈ લેવામાં આવ્યું એ રહસ્ય એ મુદ્દો ભાજપના કાર્યકર્તાઓમાં ચર્ચાનો વિષય બન્યો છે. જોકે તેમના રાજકારણ પાછળ તાજેતરમાં મેયર પત્રિકાકાંડ હોવાનું કહેવાય છે.

ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યાની જાહેરાત થયા બાદ રાજકીય ક્ષેત્રે ગરમાવો આવી ગયો છે.ત્યારે વડોદરા શહેર ભાજપના મહામંત્રી સુનીલ સોલંકીએ પણ ત્રણ દિવસ અગાઉ પ્રદેશ પ્રમુખ અને સંગઠન મંત્રીને અંગત કારણોસર રાજીનામું આપી દીધાની  સત્તાવાર જાહેરાત શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહે કરી છે, આથી ભાજપના કાર્યકર્તાઓમાં ચર્ચાનો વિષય બન્યો છે.

ભાજપમાં આંતરિક અસંતોષ વધતો જાય છે. સત્તા અને પદ મેળવવા માટે પક્ષમાં આંતરિક ખટપટો વધતી જાય છે. કહેવાય છે. કે પત્રિકાકાંડનો મુદ્દો ચર્ચામાં આવ્યા બાદ વડોદરાના પૂર્વ મેયર અને હાલના શહેર ભાજપ મહામંત્રી સુનીલ સોલંકીએ ત્રણ દિવસ અગાઉ પ્રદેશ ભાજપ-પ્રમુખ અને સંગઠન મંત્રીને રાજીનામું આપી દીધું હતુ. તાજેતરમાં મેયર વિરુદ્ધ નનામી પત્રિકા બહાર પાડનારા ભાજપના જ કોર્પોરેટર અલ્પેશ લિમ્બચિયા અને તેના સંબંધી ત્રણ વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ થતાં તેમની ધરપકડ પણ થઈ હતી, જે પત્રિકાકાંડને લઇ રાજીનામું આપ્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

શહેર ભાજપના સૂત્રોના કહેવા મુજબ  પત્રિકાકાંડ બાદ ભાજપની છબિ ખરડાઈ હતી, સાથે સાથે મહામંત્રી વિરુદ્ધ વડોદરાના એક ધારાસભ્ય દ્વારા અવારનવાર પ્રદેશ પ્રમુખને ફરિયાદો કરવામાં આવતી હતી. બીજી બાજુ, એવી પણ ચર્ચા ચાલી રહી છે કે શહેર ભાજપ મહામંત્રીપદેથી રાજીનામું આપ્યા બાદ તેમને પ્રદેશ કક્ષાએ મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવે એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે આવનારા દિવસોમાં ભાજપ શું કાર્યવાહી કરે છે એ જોવું રહ્યું.

શહેર ભાજપ-પ્રમુખ ડો. વિજય શાહે જણાવ્યું હતું કે મહામંત્રીપદેથી સુનીલ સોલંકી દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે અને શહેર ભાજપ દ્વારા રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે. તેમને મહામંત્રીની જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. અગાઉ તેઓ મેયર તરીકેની પણ જવાબદારી નિભાવી ચૂક્યા છે. ઉપરાંત અન્ય હોદ્દાઓ પર પણ તેમણે જવાબદારી નિભાવી છે. શહેર ભાજપ મહામંત્રીપદેથી રાજીનામું આપનારા સુનીલ સોલંકીએ જણાવ્યું હતું કે મારી મરજીથી રાજીનામું આપ્યું છે. મેં કોઈના દબાણથી રાજીનામું આપ્યું નથી. પક્ષ બીજી જવાબદારી સોંપશે તો એ સ્વીકારવા પણ તૈયાર છું, પરંતુ એ પક્ષે નિર્ણય લેવાનો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code