
VGGS 2024: ગાંધીનગરમાં “લિવેબલ સીટીઝ ઓફ ટુમોરો” પર પ્રી-વાઈબ્રન્ટ સમિટ શુક્રવારે યોજાશે
ગાંધીનગરઃ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS 2024) ની 10મી આવૃત્તિના પૂર્વાર્ધરૂપે, ગુજરાત સરકારનો શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય ભાગીદાર સંસ્થાઓના સહયોગથી ગાંધીનગર ખાતે 15 ડિસેમ્બર 2023ને શુક્રવારના રોજ “લિવેબલ સિટીઝ ઓફ ટુમોરો” વિષય પર પ્રી-ઇવેન્ટ સમિટ યોજાશે.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના રાજ્ય મંત્રી કૌશલ કિશોર સાથે સમિટનું ઉદ્ઘાટન કરશે. આ સમિટમાં NIUA, C40, CEDAI, AIILSG, ICLEI, CEPT, યુનિસેફ (UNICEF) ઇન્ડિયા, વર્લ્ડ બેંક, એલુવિઅમ ગ્રુપ, સિટીબ્લોબ, વિવિધ નોલેજ ફોરમ જેવી પ્રખ્યાત સંસ્થાઓના તેમજ એકેડેમીયા અને રિસર્ચ સંસ્થાઓના પ્રતિષ્ઠિત વક્તાઓ હાજર રહેશે. વક્તાઓ તરીકે આ પ્રતિષ્ઠિત વ્યક્તિઓની સહભાગિતા સમિટમાં એક અનન્ય પરિપ્રેક્ષ્ય ઊભું કરશે, જે આપણા શહેરોની લિવેબિલિટી વધારવાના આપણા સામૂહિક પ્રયાસોમાં વૈવિધ્યસભર દ્રષ્ટિકોણ સુનિશ્ચિત કરશે.
VGGS 2024ના પૂર્વાર્ધરૂપે, ગુજરાત સરકારે અત્યાર સુધીમાં સિરામિક્સ, ટેક્સટાઇલ, શિક્ષણ, વિજ્ઞાન અને ટેકનોલોજી, સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ, બાયોટેક્નોલોજી, કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ અને પ્રવાસન જેવા ક્ષેત્રોમાં 8 પ્રી-વાઇબ્રન્ટ સમિટનું સફળતાપૂર્વક આયોજન કર્યું છે. નાગરિકલક્ષી રાજ્ય તરીકે આગળ વધીને, ગુજરાત “લિવેબલ સિટીઝ ઓફ ટુમોરો” માટે નવીન પહેલો રજૂ કરવા પ્રતિબદ્ધ છે.
આજે, વિશ્વમાં પહેલા કરતા વધુ શહેરીકરણ થઈ રહ્યું છે, જેમાં વિશ્વની અડધાથી વધુ વસ્તી શહેરી વિસ્તારોમાં રહે છે. અનેક અંદાજો દર્શાવે છે કે 2050 સુધીમાં શહેરોમાં વિશ્વની લગભગ બે તૃતીયાંશ વસ્તી વસવાટ કરશે. એક તરફ શહેરો વૈશ્વિક જીડીપીમાં નોંધપાત્ર યોગદાન આપવાની સાથે વિકાસ, વેપાર અને સંસ્કૃતિના એન્જિન તરીકે કામ કરે છે, તો બીજી બાજુ શહેરો ઉચ્ચ ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન, આબોહવા પરિવર્તન (ક્લાઇમેટ ચેન્જ)ની નબળાઇઓ, સામાજિક-આર્થિક અસમાનતા અને ગીચ વિસ્તારોમાં વસવાટ જેવા પડકારોનો પણ સામનો કરે છે.
વિશ્વની અડધાથી વધુ વસ્તી શહેરોમાં રહેતી હોવાથી, આજે અભૂતપૂર્વ રીતે શહેરીકરણ થઈ રહ્યું છે અને 2050 સુધીમાં શહેરોની વસ્તી બે તૃતીયાંશ સુધી પહોંચશે. વિકાસ માટે શહેરો મહત્વપૂર્ણ હોવા છતાં, તેઓ વાયુ ઉત્સર્જન અને સામાજિક-આર્થિક અસમાનતા જેવા પડકારોનો સામનો કરે છે. ગુજરાત, ઔદ્યોગિક પાવરહાઉસ હોવાની સાથે સ્માર્ટ ઈન્વેસ્ટમેન્ટ દ્વારા ફ્લેક્સિબલ શહેરી વિકાસ ધરાવે છે. ઇકો-ફ્રેન્ડલી ટ્રાન્સપોર્ટ અને વેસ્ટ પ્રેક્ટિસિસ સાથે લેન્ડ પૂલિંગ અને ટ્રાન્ઝિટ-ઓરિએન્ટેડ ડેવલપમેન્ટ જેવા કોન્સેપ્ટ્સ, ફ્લેક્સિબલ અને ટકાઉ શહેરો બનાવવાની ગુજરાતની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.