
જાફરાબાદના લોઠપુર ગામ નજીક રોડ પર પાંચ સિંહબાળનો લટાર મારતો વિડિયો વાયરલ
અમરેલીઃ જિલ્લામાં જાફરાબાદ તાલુકાના લોઠપુર ગામ નજીક મોડી રાતે પાંચ જેટલા નાના મોટા સિંહબાળો પોતાની મસ્તીમાં રોડ ક્રોસ કરતા નજરે પડ્યા હતા. આ દ્રશ્યો કોઇ વાહન ચાલકે પોતાના કેમરામાં કેદ કરી લીધા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના લોઠપુર ગામમાં મેઘાવી રાતે બાળસિંહનું ટોળુ દોડી આવ્યું હતું. બાળસિંહની ચહલ-પહલથી ગ્રામજનો પોતાના ઘરના છત પર ચડીને મસ્તી કરતા બાળસિંહનો નજારો નિહાળ્યો હતો. અને પોતાના મોબાઈલમાં પાંચ બાળ સિંહનો વિડિયો ઉતાર્યો હતો. મસ્તીખોર બાળસિંહ બાળસિહનો વિડિયો સોશ્યલ મિડિયામાં વાયરલ થતા વન વિભાગના અધિકારીઓ દોડી આવ્યા હતા.
સુત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લાના રાજુલા, પીપાવાવ, જાફરાબાદ વિસ્તારમાં વરસાદી માહોલમાં સિંહો જોવા મળી રહ્યા છે. આ વિસ્તારમાં સ્ટેટ હાઇવે ઉપર 24 કલાક નાનામોટા વાહનો બેફામ રીતે દોડી રહ્યા છે. સોમવારે જ જિલ્લાના રાજુલા જાફરાબાદ પંથકને જોડતા ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર બે સિંહો અચાનક હાઇવે પર આવી જતા બાઇક પર સવાર બે યુવાનો નીચે પટકાતા ઘાયલ થયા હતા. આ વિસ્તારમાં વાહનની અડફેટે અનેક વખત સિંહોના પણ મોત થયા છે. ત્યારે વધુ અકસ્માત સર્જાય તે પહેલાં વનવિભાગ સતર્ક થાય તે જરૂરી છે. સિંહ પ્રેમીઓએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં સિંહોની સંખ્યા દિન-પ્રતિદિન વધી રહી છે. આવતા દિવસોમાં સરકાર અને વનવિભાગ ગંભીરતા દાખવે એ જરૂરી છે. જો સુરક્ષા નહીં વધારાય તો રોડ અકસ્માતમાં સિંહોના મોત થઇ શકે છે.(file photo)