HomeAgency Newsબ્રેકિંગ ન્યૂઝઃ દુબઈ વિમાનમથક નજીક ઈરાનના બે ડ્રોન ત્રાટક્યા, એક ભારતીય ઘાયલ

બ્રેકિંગ ન્યૂઝઃ દુબઈ વિમાનમથક નજીક ઈરાનના બે ડ્રોન ત્રાટક્યા, એક ભારતીય ઘાયલ

દુબઈ, 11 માર્ચ, 2026 – Breaking News અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના વર્તમાન ઘર્ષણની અસર અખાતના અન્ય દેશો ઉપર જોવા મળી રહી છે. રઘવાયેલું થયેલું ઈરાન દસ દિવસથી અન્ય મુસ્લિમ દેશો ઉપર હુમલા કરી રહ્યું છે. એવો જ એક હુમલો આજે દુબઈ આંતરરાષ્ટ્રીય વિમાન મથકે થયો છે, જ્યાં બે ઈરાની ડ્રોન હુમલાને કારણે એક ભારતીય નાગરિક સહિત ચાર વ્યક્તિને ઈજા થઈ હોવાનું જાણવા મળે છે.

દુબઈ મીડિયા ઑફિસ દ્વારા તેના X હેન્ડલ દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી છે. તે અનુસાર દુબઈના સ્થાનિક સમય પ્રમાણે બપોરે 12 વાગ્યાની આસપાસ દુબઈ આંતરરાષ્ટ્રીય વિમાન નથક (DXB)ના પરિસરમાં બે ડ્રોન પડ્યા હતા. આ વાતને સત્તાવાળાઓએ સમર્થન આપ્યું છે.

આ ડ્રોન હુમલામાં ઘાના અને બાંગ્લાદેશના બે-બે તથા ભારતના એક નાગરિકને સામાન્ય ઈજાઓ થઈ હોવાનું જાણવા મળે છે.

દુબઈના સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે, આ ઘટનાથી કોઈ મોટું નુકસાન થયું નથી અને વિમાન સેવા ઉપર પણ કોઈ અસર પડી નથી. વિમાન સેવા યથાવત્ ચાલુ હોવાનું અધિકારીઓએ ઉમેર્યું હતું.

જોકે હાલ પ્રાથમિક તબક્કે એ સ્પષ્ટ નથી થયું કે ડ્રોન ઈરાનથી આવ્યા હતા કે અન્ય કોઈ કારણસર પડ્યા હતા, પરંતુ યુદ્ધને કારણે વિસ્તારમાં ઈરાની ડ્રોન અને મિસાઈલ હુમલાઓને લીધે સિક્યોરિટી એલર્ટ ખૂબ જ હાઈ છે. UAEની એર ડિફેન્સ સિસ્ટમે છેલ્લા કેટલાક કલાકોમાં અનેક ડ્રોન અને મિસાઈલોને ઈન્ટરસેપ્ટ કરી છે. દુબઈ એરપોર્ટ વિશ્વના સૌથી વ્યસ્ત હવાઈ મથકોમાંનું એક છે, પરંતુ અત્યારે ફ્લાઈટ્સ સંપૂર્ણપણે સામાન્ય ચાલી રહી છે અને કોઈ મોટો વિક્ષેપ થયો નથી.

અખાતના દેશોમાં ઈરાનના હુમલા વધ્યા

આ ઘટના એવા સમયે બની છે જ્યારે ઈરાને અખાતના દેશો એટલે કે UAE, સાઉદી અરેબિયા, કતર, બહેરીન અને કુવૈત પર વળતા હુમલા તેજ કર્યા છે. અબુ ધાબીની રુવૈસ રિફાઈનરીમાં પણ ડ્રોન હુમલાથી આગ લાગી હતી અને તેને બંધ કરવી પડી હતી. ભારત સરકાર અને ભારતીય દૂતાવાસ દુબઈમાં ઘાયલ ભારતીય નાગરિકની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને જરૂરી મદદ પહોંચાડવાની તૈયારીમાં છે.

સંબંધિત લેખો

Most Popular