
રાજકોટઃ સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 24 કલાકથી ધોધમાર વરસાદ પડ્યો છે. જિલ્લાના ખંભાળિયા અને કલ્યાણપુર પંથકમાં ધોધમાર વરસાદ પડતા કેટલાક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. જ્યારે જુનાગઢના કેશોદ અને માણાવદરમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. માણાવદરના 20થી વધુ ગામો તેમજ કેશોદના પણ અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. નદી-નાળાં છલોછલ થયા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ પડ્યો છે. જેમાં ખંભાળિયા પંથક તેમજ નજીકના ભાણવડ વિસ્તારમાં ગત રાત્રે સતત દોઢથી બે કલાક સુધી ભયાવહ વીજળીના ગગડાટ અને ચમકારા સાથે વરસાદ પડતા સર્વત્ર ભયનો માહોલ પ્રસરી જવા પામ્યો હતો. કલ્યાણપુર તાલુકામાં સૌથી વધુ સાડા ચાર ઇંચ અને ભાણવડ, ખંભાળિયામાં ચાર-ચાર તથા દ્વારકામાં દોઢ ઈંચ વરસાદ પડ્યો હતો. વીજળીના કારણે વ્યાપક નુકસાનીના અહેવાલો પણ મળી રહ્યા છે.
કલ્યાણપુર પંથકમાં છેલ્લા બે દિવસથી વરસાદે અનેક સ્થળોએ જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેમ ધોધમાર વરસાદના કારણે ઠેર-ઠેર જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી હતી. ભારે ઉકળાટ બાદ કલ્યાણપુર તાલુકાના ભાટિયા, નંદાણા, પટેલકા સહિતનાં ગામોમાં બેથી ત્રણ ઈંચ વરસાદ વરસી જતાં ખેતરો પાણીથી તરબોળ બન્યાં હતાં. ભાટિયા ગામના બસ સ્ટેશન ચોક, રેલવે સ્ટેશન રોડ, મેઈન બજાર સહિતના માર્ગો પર નદી જેવાં દૃશ્યો જોવા મળ્યાં હતાં.
ખંભાળિયા તથા ભાણવડ વિસ્તારમાં ગઈકાલે રાત્રે સતત બે કલાક જેટલા સમયગાળા દરમિયાન ભયાવહ આકાશી વીજના કડાકા-ભડાકાથી લોકો ભયભીત બન્યા હતા. અનેક સ્થળોએ વીજળી પડવાના બનાવ બન્યા હતા. ખંભાળિયાના ઘી ડેમ વિસ્તારના ટ્રાન્સફોર્મર ઉપર વીજળી પડતાં પાણી વિતરણ વ્યવસ્થા પ્રભાવિત થઈ હતી. વીજળીના કારણે પંખા, એ.સી., ઈનવર્ટર વગેરે ઉપકરણો ક્ષતિગ્રસ્ત બન્યાં હતાં. દ્વારકાના ખંભાળિયામાં વીજળી પડી હતી. જેથી વ્યાપક નુકસાની થઈ છે.
આ ઉપરાંત જુનાગઢના કેશોદ તાલુકાનું મઘરવાડા ગામ સંપર્ક વિહોણું બન્યુ છે. સાબલી નદીના પાણી રસ્તા પર ફરી વળ્યા છે. ગામમાં જવાનો રસ્તો બંધ થયો છે. ચાર ખેડૂતો ફસાઈ જતાં ગામ લોકોએ ખેડૂતોનું રેસ્ક્યૂ કર્યું છે. તાલુકાની નોરી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. નદીના પાણી રસ્તા પર ફરી વળ્યા છે. સિલોદર પાણખાણનો રસ્તો બંધ થયો છે. સિલોદર ગામ સંપર્ક વિહોણું બન્યું છે.