પશ્ચિમ બંગાળઃ બાંગ્લાદેશથી પ્રતિબંધિત સોપારીની દાણચોરીનો પર્દાફાશ
કોલકાતા, 24 જાન્યારી 2026: ભારતીય દરિયાઈ સીમાની સુરક્ષા કરતા ભારતીય તટરક્ષક દળે એક મોટી કાર્યવાહી કરીને બાંગ્લાદેશથી ભારત થઈ રહેલી સોપારીની ગેરકાયદેસર દાણચોરીનો પર્દાફાશ કર્યો છે. આ ઓપરેશન ફ્રેઝરગંજ સ્ટેશન દ્વારા ગુપ્ત બાતમીના આધારે હાથ ધરવામાં આવ્યું હતું. બોટમાંથી 2600 કિલો પ્રતિબંધિત સોપારી ઝડપાઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, કોસ્ટ ગાર્ડને મળેલી ચોક્કસ બાતમી બાદ તુરંત જ બોર્ડિંગ ટીમને રવાના કરવામાં આવી હતી. નિર્ધારિત સ્થળ પર તપાસ દરમિયાન ‘IFB લક્ષ્મીનારાયણ’ નામની ભારતીય માછીમારી બોટ મળી આવી હતી. સુરક્ષા એજન્સીઓના ડરથી તસ્કરો આ બોટને દરિયામાં જ છોડીને ભાગી ગયા હતા.
જ્યારે કોસ્ટ ગાર્ડની ટીમે આ બોટની તલાશી લીધી, ત્યારે તેમાંથી સોપારીની કુલ 52 બેગ મળી આવી હતી. દરેક બેગનું વજન અંદાજે 50 કિલો હતું. આમ, કુલ 2600 કિલો સોપારી જપ્ત કરવામાં આવી છે. કાર્યવાહી બાદ આ બોટને ફ્રેઝરગંજ લાવીને બેનફિશ ફિશિંગ જેટી પર લાંગરવામાં આવી છે.
ભારતીય તટરક્ષક દળે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, “અમે અન્ય દરિયાઈ સુરક્ષા એજન્સીઓ સાથે મળીને દેશના દરિયાકાંઠા અને જળક્ષેત્રમાં સતત બાજ નજર રાખી રહ્યા છીએ. દરિયાઈ માર્ગે થતી કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિ કે દાણચોરીને રોકવા માટે અમે કટિબદ્ધ છીએ.”
આ પણ વાંચોઃVIDEO: પંજાબમાં રેલવે લાઈન ઉપર પ્રચંડ વિસ્ફોટ, માલગાડીનો એન્જિન ડ્રાઈવર ઘાયલ


