
અમદાવાદમાં કલાકો સુધી પડી રહેતી લાંબા અંતરની ટ્રેનોને રાજકોટ સુધી ક્યારે દોડાવાશે ?
રાજકોટઃ શહેરને લાંબા અંતરની ટ્રેનની સેવા મળી રહે તે માટે વેપારી મંડળ અને સ્થાનિક નેતાઓ દ્વારા પણ પશ્વિમ રેલવેના સત્તાધિશોને રજુઆતો કરવામાં આવી હતી. અન્ય રાજ્યોને સાંકળતી અને અમદાવાદમાં કલાકો સુધી પડી રહેતી અડધો ડઝન ટ્રેનોને રાજકોટ સુધી લંબાવવાની તત્કાલિન રેલવે મંત્રીએ 10 મહિના પહેલા જાહેરાત કરી હતી. પણ રેલવે દ્વારા કોઈ જ નિર્ણય લેવામાં આવ્યો નથી.
રાજકોટ પ્રત્યે પશ્વિમ રેલવેનું તંત્ર ઉદાસીન હોય તેવું વધુ એક વખત સાબિત થયું છે. રેલવેમાં અલગ અલગ ટ્રેન અમદાવાદથી રાજકોટ લંબાવવાની તત્કાલીન રેલવે મંત્રીની 10 મહિના પૂર્વેની જાહેરાતનો હજુ સુધી અમલ નહિ થતાં ફિયાસ્કો થયો છે. તત્કાલીન રેલવે મંત્રી દર્શના જરદોશે ગત તા.14 સપ્ટેમ્બરના રોજ 19421-22 નંબરની અમદાવાદ-પટના એક્સપ્રેસ ટ્રેન, 22967-68 નંબરની અમદાવાદ-પ્રયાગરાજ એક્સપ્રેસ ટ્રેન, 19413-14 અમદાવાદ-કોલકાતા એક્સપ્રેસ ટ્રેન, 11049-50 નંબરની અમદાવાદ-કોલ્હાપુર એક્સપ્રેસ ટ્રેન, 22137-38 નંબરની નાગપુર-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન અને 12912-18 નંબરની અમદાવાદ-હજરત નિઝામુદ્દીન સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ ટ્રેનને રાજકોટ સુધી લંબાવવાની જાહેરાત કરી હતી. રાજકોટથી લાંબા અંતરની વધુ છ ટ્રેન મળવાની જાહેરાતને પગલે સૌરાષ્ટ્રવાસીઓમાં આનંદની લાગણી છવાઇ હતી. ત્યારબાદ 6 ટ્રેનોને રાજકોટ સુધી ન લંબાવાતા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બે વખત તત્કાલીન રેલવે મંત્રી દર્શનાબેન જરદોશને રજૂઆત કરી હતી. પણ કોઈ જ નિર્ણય લેવામાં આવ્યો નથી. આથી હવે નવા રેલવેમંત્રી સમક્ષ રજુઆત કરવામાં આવશે.
દરમિયાન પશ્વિમ રેલવેના સૂત્રોએ જણાવ્યું હતું કે, અમદાવાદ ડિવિઝન પર અમદાવાદ-વિરમગામ સેક્શનના સાણંદ (દક્ષિણ) સ્ટેશનથી સાણંદ સ્ટેશનની કનેક્ટિવિટી સંદર્ભે નોન-ઇન્ટરલોકિંગની કામગીરીને કારણે રાજકોટ ડિવિઝનથી પસાર થતી ગાંધીનગર-વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ અને વડોદરા-જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન રદ કરવામાં આવી છે. જેમાં ગાંધીનગરથી ઉપડી વેરાવળ જતી 19119 નંબરની કેપિટલ એક્સપ્રેસ ટ્રેન તા.20 અને તા.21ના રોજ, જ્યારે 19120 નંબરની વેરાવળથી ઉપડી ગાંધીનગર જતી પરત ટ્રેન તા.19 અને તા.20ના રોજ રદ કરવામાં આવી છે. તદઉપરાંત વડોદરાથી ઉપડી જામનગર જતી 22959 નંબરની ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન તા.19 અને તા.20ના રોજ અને આ જ ટ્રેન જામનગરથી પરત થઇ વડોદરા જતી 22960 નંબરની ટ્રેન તા.20 અને તા.21ના રોજ રદ કરવામાં આવી હોવાનું સૂત્રે જણાવ્યું છે. આ ઉપરાંત હાપા-મડગાંવ ટ્રેન 4.40 કલાક મોડી થઈ છે. આ ટ્રેન બુધવારે રાતે 9.40 કલાકે ઉપડવાને બદલે હવે ગુરુવારે રાતે 2.20 કલાકે હાપાથી ઉપડશે.