
રાજ્ય સરકાર અને જિલ્લા પંચાયતો દ્વારા કોન્ટ્રાક્ટ પર લેવાતા વાહનો ટેક્સી પાસિંગ કેમ નહીં ?
ભાવનગરઃ સરકારી કચેરીઓમાં આઉટસોર્સથી કોન્ટ્રાક્ટ પર રખાતા વાહનો ટેક્સી પાસિંગ હોવા જરૂરી છે. પરંતુ ભાવનગર જિલ્લા પંચાયતમાં જુદા જુદા વિભાગોમાં આઉટસોર્સિંગથી રખાયેલા વાહનો મોટાભાગે ટેક્સી પાસિંગ વગરના છે. પ્રાઇવેટ પાસિંગના વાહનો સામે જિલ્લા પંચાયતના અધિકારી શાસકો પણ આંખ આડા કાન કરી રહ્યા છે. ખાનગી પાસિંગના વાહનો કોન્ટ્રાકટ પર લઈ શકાતા નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગર જિલ્લા પંચાયતમાં પ્રમુખ, ડીડીઓ, ડેપ્યુટી ડીડીઓ, આર. એન્ડ બી.ના કાર્યપાલક ઈજનેર, સી.ડી.એચ.ઓ.ને સરકારી વાહનો ફાળવવામાં આવ્યા છે. પરંતુ તે સિવાયના જુદા જુદા વિભાગોમાં અધિકારી અને સ્ટાફ માટે અંદાજે 80 વાહનો ફાળવવામાં આવ્યા છે. જે તમામ આઉટસોર્સિંગથી કોન્ટ્રાકટ પર લેવાયેલા છે. આઉટ સોર્સિંગથી રખાયેલા મોટાભાગના વાહનો ટેક્સી પાસિંગ વગરના છે. ટેક્સી પાસિંગ નહીં હોવાને કારણે અન્ય રાજ્યમાં જતાં આરટીઓ ટેક્સ ચુકવવો ના પડે તે ઉપરાંત ઈન્સ્યોરન્સમાં પણ ફાયદો થાય છે. પરંતુ જો કોઈ અકસ્માત સર્જાય તો વીમો મળવો પણ મુશ્કેલ છે. સાથોસાથ તેમાં મુસાફરી કરતા અધિકારીઓ માટે પણ જોખમ રૂપ સાબિત થાય છે. એક વાહન પાછળ જિલ્લા પંચાયત સરેરાશ આશરે રૂપિયા 20000 થી 25000 ખર્ચ કરે છે. જેની સામે કોન્ટ્રાક્ટરો દ્વારા ખાનગી પાસિંગના વાહનો મૂકી નિયમોનો ભંગ કરવામાં આવતો હોવાની ફરિયાદો ઊઠી છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ટેક્સી પાસિંગ અને પ્રાઇવેટ પાસિંગમાં હવે એક સમાન ટેક્સ છે. પરંતુ સરકારી કચેરીઓમાં આઉટસોર્સિંગથી રખાતા વાહનો ટેક્સી પાસિંગ હોવા જરૂરી છે. ઘણીવાર ટેક્સી પાસિંગ નહીં કરાવવા પાછળ અન્ય રાજ્યમાં મુસાફરીમાં ટેક્સ નહીં ભરવા ઉપરાંત ઇન્સ્યોરન્સમાં લાયેબિલીટીમાં ફાયદો મેળવવાનું કારણ હોય છે. ભાવનગર જિલ્લા પંચાયતમાં આઉટસોર્સિંગથી ફાળવણી કરવામાં આવેલા વાહનો મોટાભાગે પ્રાઇવેટ પાસિંગના છે. પરંતુ પ્રથમ દ્રષ્ટિએ પકડાઈ નહીં તે માટે જિલ્લા પંચાયતમાં ટેક્સી પાસિંગની ગાડીની નોંધ પાડવામાં આવે છે. પરંતુ ફાળવણી પ્રાઇવેટ પાસિંગના વાહનની કરાય છે. કેટલાક વિભાગોમાં તો જવાબદાર કર્મચારીઓ પોતે જ લોનથી ગાડી લઈ પોતાના વિભાગમાં એજન્સી સાથે સાંઢગાંઠ કરી મૂકી દેતા હોય છે.
સૂત્રોના કહેવા મુજબ ભાવનગર જિલ્લા પંચાયતમાં જુદા જુદા વિભાગોમાં વિભાગીય અધિકારીઓ દ્વારા પોતાની રીતે આઉટસોર્સિંગથી વાહનો મૂકવામાં આવે છે. જેમાં આઈસીડીએસ માં 15 વાહન, ખેતીવાડીમાં 2, સમાજ કલ્યાણમાં 1, સિંચાઈમાં 1, આરોગ્ય વિભાગમાં 30 થી 40, ડી.આર.ડી.એ.માં 3, આર.એન્ડ બી. નાયબ કાર્યપાલક ઇજનેરમાં 2, તાલુકા વિકાસ અધિકારીમાં 2 સહિત અંદાજે 80 જેટલા વાહનો આઉટસોર્સિંગ થી ફાળવવામાં આવ્યા છે.