
અમદાવાદઃ ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમીનો લોકો સામનો કરી રહ્યા છે. બીજીબાજુ અનેક ગામડાંઓમાં પીવાના પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ છે. સુરેન્દ્રનગર, બનાસકાંઠા સહિત કેટલાક જિલ્લાઓના અંતરિયાળા ગામોને ટેન્કર દ્વારા પાણી પુરૂ પાડવામાં આવી રહ્યું છે. બીજીબાજુ રાજ્યમાં અડધાથી પણ વધુ ડેમો અને જળાશયોના તળિયા દેખાયા છે. એટલે કે ડેડ વોટર પાણી જ બચ્યું છે. ચોમાસાના આગમનને હજુ દોઢેક મહિનો બાકી છે. પણ જો વરસાદ ખેંચાશે તો વિષમ સ્થિતિનો સામનો કરવા પડશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ઉનાળામાં પડી રહેલા આકરા તાપની સાથે ઘણાબધા ગામોમાં પાણીની તંગી ખૂબ તીવ્ર બની છે. પાણીની પરેશાનીના કારણે સરકાર દ્વારા ઘણા ડેમોમાં નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે, છતાં ઘણા ગામડાઓ ધોમધખતા તાપમાં તરસ્યા છે, એવામાં ટેન્કર દ્વારા ત્યાં પાણી પહોંચાડવાના પ્રયાસ થઈ રહ્યા છે. બીજી તરફ રાજ્યના 17 મુખ્ય ડેમોમાં હાલની સ્થિતિએ માત્ર 46 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. એટલે દોઢ મહિનામાં એટલે કે ચોમાસાના આગમન સુધીમાં સરદાર સરોવર નર્મદા ડેમ સિવાયના જળાશયોમાં પણ તળિયા દેખાઈ જશે. જો મેઘરાજાની પધરામણીમાં વિલંબ થશે, તો કપરી સ્થિતિનો સામનો કરવો પડશે.
રાજ્યના સિંચાઈ વિભાગના સૂત્રોના કહેવા મુજબ રાજ્યમાં કુલ 17 જેટલા મુખ્ય ડેમો છે, જેમાંથી ગુજરાતની 6.50 કરોડથી વધુ જનતાને રોજ પીવા તથા અન્ય વપરાશનું પાણી પહોંચાડવામાં આવે છે. આ ડેમોમાંથી હાલ 4 જેટલા ડેમોમાં 10 ટકાથી પણ ઓછો પાણીનો જથ્થો બચ્ચો છે. તેમાં પણ ત્રણ ડેમો તો ઉત્તર ગુજરાતના અરવલ્લી અને બનાસકાંઠાના જ છે, જ્યારે એક ડેમ મોરબીનો છે. જે દર્શાવે છે કે ઉત્તર ગુજરાતમાં પાણીની ગંભીર સ્થિતિ છે. 4 ડેમોમાં 10થી 25 ટકા સુધી પાણીનો જથ્થો છે, જ્યારે 9 જેટલા ડેમોમાં 25 ટકાથી વધુ પાણીનો જથ્થો છે. હાલ નર્મદા જિલ્લાના કરજણ ડેમમાં સૌથી વધુ 63 ટકા પાણીનો જથ્થો છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 52.06 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ઉત્તર ગુજરાતના અરવલ્લી, બનાસકાંઠા, મહેસાણા તથા સાબરકાંઠાના 15 ડેમોમાં માત્ર 13.69 ટકા પાણીનો જથ્થો છે. મધ્ય ગુજરાતના 17 ડેમોમાં 40.50 ટકા પાણી છે. દક્ષિણ ગુજરાતના 13 ડેમોમાં 54.25 ટકા પાણી, જ્યારે કચ્છના 20 ડેમોમાં 16.90 ટકા અને સૌરાષ્ટ્રના 141 ડેમોમાં 32.59 ટકા પાણીનો જથ્થો હાલની સ્થિતિએ ઉપલબ્ધ છે. આમ રાજ્યના 206 ડેમોમાં સરેરાશ 42.96 ટકા પાણી બચ્યુ છે.
આ વર્ષે દેશમાં ચોમાસું સામાન્ય રહેવાનો અંદાજ છે. હવામાન વિભાગ મુજબ, દક્ષિણ-પશ્ચિમી ચોમાસું 15મી મે આસપાસ આંદામાન અને દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં પહોંચી જશે. પૂર્વાનુમાન પ્રમાણે, આ વર્ષે ભારતમાં ચોમાસું નિર્ધારીત સમય કરતાં પાંચ દિવસ પહેલા એટલે કે 27મી મેના રોજ આવી જશે. તેનું સૌથી પહેલું આગમન કેરળમાં થશે. કેરળમાં વરસાદ પડશે તે પછી દેશભરમાં લોકોને લૂથી રાહત મળશે. બીજી તરફ હવામાનની ખાનગી એજન્સી દ્વારા ગુજરાત તથા રાજસ્થાનમાં સામાન્યથી ઓછો વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. જો આમ થયું તો રાજ્યમાં આગામી વર્ષે પાણીની તંગીની સ્થિતિ સર્જાઈ શકે છે.