
ચિલોડા હાઈવે પર મગોડી ગામના પાટિયા પાસે ટ્રકે બાઈકને ટક્કર મારતા મહિલાનું મોત, એકને ઈજા
ગાંધીનગરઃ રાજ્યમાં રોડ અકસ્માતો વધતા જાય છે.જેમાં વધુ એક અકસ્માત ગાંધીનગરના ચિલોડા નજીક સર્જાયો છે. ચીલોડા પોલીસ મથકના મગોડી ગામના પાટીયા પાસે ટ્રક ચાલકે પોતાનો ટ્રક પૂરફાટ ઝડપે હંકારીને બાઈકને પાછળથી ટક્કર મારતાં વતનથી પરત આવી રહેલા સગા ભાઈ-બહેન ઉછળીને રોડ પર પટકાયા હતા. આ અકસ્માતમાં બહેનનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે ભાઈને ગંભીર ઈજાઓ થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
પોલીસ સૂત્રોમાંથી આ અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે કે, મૂળ દાહોદના વતની હાલમાં રતનપુર ગામે રહેતા શૈલેષ જીવાભાઈ પારગીએ ચીલોડા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, સાતેક દિવસથી શૈલેષ તેના કાકા સસરા ભૂરાભાઈ બારીયા સાથે રતનપુર રણછોડજી બીહોલાનાં બોર કૂવા ઉપર રહી ખેત મજૂરી કરે છે. શૈલેષને તેના કાકા સસરાએ ફોન કરીને જાણ કરી હતી કે, તેમની પત્ની એટલે કે કાકી સાસુ શાંતાબેન અને તેમનો ભાઈ રાજેશ બાઈક લઈને વતનથી પરત આવી રહ્યા હતા.ત્યારે મગોડી ગામના પાટીયા પાસે બાઇકને અકસ્માત સર્જાયો છે. જેનાં પગલે શૈલેષ તેના કાકા સસરા સહિતના પરિચિત લોકો સાથે અકસ્માત સ્થળે દોડી ગયા હતા. જ્યાં રોડ ઉપર બાઈક પડયું હતું. અને કાકી સાસુ શાંતાબેન માથાના ગંભીર ઈજાઓ થવાથી મરણ ગયેલી હાલતમાં હતા. જ્યારે તેમના ભાઈ રાજેશને ગંભીર ઈજાઓ થવાથી હોસ્પિટલ લઈ જવાયો હતો.
આ અકસ્માત અંગે શૈલેષે તપાસ કરતા માલુમ પડયું હતું કે, તેના કાકી સાસુ અને તેમનો ભાઈ રાજેશ બાઈક લઈને દહેગામથી મોટા ચીલોડા થઈને રતનપુર આવી રહ્યા હતા. ત્યારે મગોડી પાટીયા પાસે ટ્રક નંબર RJ27GB7074નાં ચાલકે પોતાની ટ્રક પૂરઝડપે હંકારીને પાછળથી બાઈકને ટક્કર મારી હતી. આ અકસ્માત થતાં શાંતાબેનનું ગંભીર ઈજાઓ થવાથી સ્થળ ઉપર મોત થયું હતું. જ્યારે ઈજાગ્રસ્ત રાજેશને હોસ્પિટલ લઈ જવાયો હતો. આ અંગે ચીલોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.