
મુંબઈ: વર્લ્ડ કપની સૌથી મહત્વપૂર્ણ મેચોમાંની એક ભારત-પાકિસ્તાન મેચ 14 ઓક્ટોબરે અમદાવાદમાં યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ અંગે ICC અને BCCI સાથે સહમતિ દર્શાવી હતી. નોંધનીય છે કે, અગાઉ બંને ટીમો વચ્ચે આ મેચ 15 ઓક્ટોબરે યોજાવાની હતી. જો કે નવરાત્રિનો પહેલો દિવસ હોવાથી મેચની તારીખ એક દિવસ પહેલા જ શિફ્ટ કરવામાં આવી હતી.
બીજી તરફ પાકિસ્તાનની વધુ એક મેચની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પાકિસ્તાની ટીમ હૈદરાબાદમાં 12 ઓક્ટોબરના બદલે 10 ઓક્ટોબરે શ્રીલંકા સામે ટકરાશે. જણાવવામાં આવી રહ્યું છે કે ટીમ ઈન્ડિયા સામેની મેચ પહેલા ત્રણ દિવસનું અંતર સુનિશ્ચિત કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
નવરાત્રીના કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની તારીખો બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વાસ્તવમાં સુરક્ષા એજન્સીઓએ BCCIને તહેવારના અવસર પર તારીખ બદલવા માટે કહ્યું હતું. એજન્સીઓએ દલીલ કરી હતી કે નવરાત્રિનો પ્રથમ દિવસ સુરક્ષા ટીમોને વ્યસ્ત રાખશે, તેથી મેચ માટે સુરક્ષા વ્યવસ્થા જાળવવી મુશ્કેલ બનશે.
આ પછી આઈસીસી અને બીસીસીઆઈએ પીસીબી સાથે પાકિસ્તાન ટીમની બે ગ્રુપ મેચોની તારીખમાં ફેરફાર અંગે વાત કરી હતી. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ટૂંક સમયમાં આ અંગે અપડેટેડ શેડ્યૂલ જારી કરી શકે છે. કેટલીક વધુ ટીમોની મેચોની તારીખો બદલાઈ શકે છે.
વિશ્વ કપની મેચો ભારતના 10 શહેરોમાં રમાશે. હૈદરાબાદ, અમદાવાદ, ધર્મશાલા, દિલ્હી, ચેન્નાઈ, લખનઉ, પુણે, બેંગલુરુ, મુંબઈ અને કોલકાતામાં મેચો છે. હૈદરાબાદ ઉપરાંત ગુવાહાટી અને તિરુવનંતપુરમ 29 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી પ્રેક્ટિસ મેચની યજમાની કરશે.