 
                                    વિશ્વ ગુજરાતી ભાષા દિવસ: 8 મનપામાં સરકારી-સાર્વજનિક સ્થળોએ માહિતી આપતા લખાણોમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ ફરજિયાત
જય જય ગરવી ગુજરાત, દીપે અરૂણું પરભાત જેવા લોકપ્રિય ગુજરાતી કાવ્ય આપનાર ગુજરાતી સાહિત્યના આદ્ય કવિ અને સામાજિક પરિવર્તનના પ્રખર હિમાયતી એવા નર્મદા લાભશંકર દવે ‘નર્મદ’ની સ્મૃતિમાં તેમના જન્મદિવસે એટલે કે ૨૪ ઓગસ્ટના રોજ વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી કરવામાં આવે છે. ઓસ્ટ્રેલિયામાં ચાલતો ગુજરાતી એસબીએસ રેડિયો હોય કે પછી જુદા જુદા રાજ્યો અને વિદેશોમાં ચાલતા ગુજરાતી સમાજો હોય, વર્ષ 1932માં આવેલી પ્રથમ ગુજરાતી ચલચિત્ર ‘નરસિંહ મહેતા’થી લઈને ઓસ્કારમાં જનારી પ્રથમ ગુજરાતી ચલચિત્ર ‘છેલ્લો શૉ’ હોય, આ તમામે ગુજરાતી ભાષાના જતન સાથે ગુજરાતી ભાષાને વૈશ્વિક સ્તરે પહોંચાડી છે. ભારતના બંધારણમાં સમાવિષ્ટ ૨૨ સત્તાવાર ભાષાઓમાંની એક ભાષા ગુજરાતી છે.
ગુજરાતી એ ગુજરાત રાજ્ય તેમજ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ કેન્દ્રશાસિત પ્રદેશની સત્તાવાર ભાષા છે. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે 5.5 કરોડ ગુજરાતી બોલનારા લોકોની સાથે ગુજરાતી ભારતમાં છઠ્ઠી સૌથી વધુ બોલાતી ભાષા છે. વધતા જતા વૈશ્વિકરણ અને શિક્ષણના વધેલા વ્યાપને કારણે ગુજરાતમાં પણ અંગ્રેજીનું મહત્વ વધ્યું છે ત્યારે ગુજરાતી ભાષાના સમૃદ્ધ વારસાના જતન સાથે તેનો વ્યાપ વધારવા આજે વિશ્વ ગુજરાતી ભાષા દિને સૌ ગુજરાતીઓએ ભાષાની જાળવણી અને સંવર્ધન માટેનો સંકલ્પ લેવો અત્યંત આવશ્યક છે. ગુજરાતી ભાષા આ દિવસની ઉજવણીનો હેતુ કવિ નર્મદના અમૂલ્ય યોગદાનનું સ્મરણ કરવા ઉપરાંત ગુજરાતી ભાષાની સુંદરતાને વિશ્વફલકમાં ફેલાવવાનો પણ છે.
રાજ્યમાં પણ ગુજરાતી ભાષાનો વ્યાપ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા અનેક નવતર આયામો હાથ ધરીને આપણી ભાષાના સમૃદ્ધ વારસાના જતન માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે સૌ ગુજરાતીઓ પણ પોતાનું યોગદાન આપે તો જ આ દિવસની ઉજવણી સાર્થક થશે તેમજ ગુજરાતી ભાષાની સમૃદ્ધિમાં વધારો થશે.
ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2021માં શરૂ કરવામાં આવેલી “ગુજરાતી ભાષા પ્રચાર યોજના” જેવી પહેલ થકી ગુજરાતી ભાષા અને તેના જાજરમાન વારસાને સક્રિયપણે આગળ વધારવાનું કાર્ય કર્યું છે. આ સર્વગ્રાહી પહેલનો મુખ્ય હેતુ ગુજરાતી ભાષાના વર્ગો, સાંસ્કૃતિક કાર્યક્રમો ઉપરાંત સાહિત્યિક કૃતિઓનો ગુજરાતીમાં અનુવાદ જેવી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા ભાષા શિક્ષણને સમૃદ્ધ બનાવવાનો છે. જે ભાષાના વિકાસ માટે રાજ્યનું સમર્પણ ચરિતાર્થ કરે છે. ગુજરાતી ભાષા સરળ રીતે શીખવવા માટે અને તેને સુસંગત બનાવવા માટે આ યોજના મહત્વની ભૂમિકા ભજવી રહી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે તાજેતરમાં રાજ્યભરની તમામ પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી ભાષાનું શિક્ષણ ફરજિયાત કરવાનું વિધેયક ગુજરાત વિધાનસભા ખાતે પસાર કર્યું હતું. આ વિધેયકને રાજ્યની વિધાનસભામાં સર્વસંમતિથી ટેકો મળ્યો હતો તે ગૌરવપૂર્ણ બાબત છે. વિધેયક મુજબ, રાજ્યની તમામ શાળાઓમાં ધોરણ 1 થી ધોરણ 8 સુધી ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવવામાં આવશે. જે શાળા પાલન નહીં કરે તે શાળાઓને રૂ. 50 હજાર થી રૂ. 2 લાખ સુધીનો દંડ ચૂકવવો પડશે. તેના ચુસ્ત અમલીકરણ માટે ડેપ્યુટી ડાયરેક્ટર સ્તરના અધિકારી શાળાઓના અનુપાલન પર નજર રાખશે અને જો ઉલ્લંઘન થતું જણાશે તો તેની સામે કડક પગલાં લેશે.
આ વિધેયક ગુજરાતી ભાષાના જતન અને સંવર્ધનની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. જેના થકી રાજ્યના પ્રત્યેક વિદ્યાર્થીને પોતાની માતૃભાષા-ગુજરાતી ભાષા શીખવાની તેમજ પોતાના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા સાથે જોડાવાની પૂર્ણ તક મળી છે. રાજ્ય સરકારની ગુજરાતી ભાષાની જાળવણી અને સંવર્ધન ઉપરાંત તેનો વ્યાપ વધારવા અંગેની અડગ પ્રતિબદ્ધતા વિશ્વના વિવિધ દેશોમાં પણ ગુજરાતીઓ માટે ભવિષ્ય ઉજળું બનાવી રહી છે.
- રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ:
ગુજરાતી ભાષા એ ફક્ત ભાષા નથી, એક બહોળો ગૌરવશાળી ઇતિહાસ અને સમૃદ્ધ સાહિત્ય ધરાવતી સંસ્કૃતિ છે. રાજ્યમાં રાજભાષા ગુજરાતીનો બહોળો ઉપયોગ થાય તે આશયથી રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા પ્રથમ તબક્કે ગુજરાત રાજ્યની આઠ મહાનગરપાલિકાઓ અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર, જુનાગઢ અને ગાંધીનગરમાં સર્વે સરકારી કાર્યાલયો, પરિસરો અને સાર્વજનિક સ્થળોએ જ્યાં જ્યાં નામ, સૂચના, માહિતી, દિશા-નિર્દેશ લખેલા હોય તે સર્વે લખાણોમાં અંગ્રેજી/હિન્દી સાથે ગુજરાતી ભાષાનો ઉપયોગ ફરજિયાત કરવા પરિપત્ર કરી સૂચનાઓ આપવામાં આવેલી છે.
આ ઉપરાંત સરકારી પરિસરોની જેમ જ ખાનગી માલિકીના સાર્વજનિક સ્થળોએ જેમ કે સિનેમાગૃહ, નાટ્યગૃહ, બેન્કવેટ હૉલ, શાળા, કૉલેજ, સુપર માર્કેટ, શૉપિંગ મોલ્સ, હૉસ્પિટલ, વાતાનુકૂલિત વ્યવસ્થા ધરાવતી હૉટેલ, રેસ્ટોરન્ટ અને કેફે, બૅન્ક, વાંચનાલય, બગીચાઓ સહિતના જાહેર સ્થળો પર નામ, સૂચના, માહિતી, દિશા-નિર્દેશ લખેલા હોય તે સર્વે લખાણોમાં અંગ્રેજી/હિન્દી સાથે ગુજરાતી ભાષાનો પણ ફરજિયાત ઉપયોગ કરવા સૂચનાઓ આપવામાં આવેલી છે.
- શિક્ષણ વિભાગ:
શિક્ષણ વિભાગ તમામ શાળાઓમાં ગુજરાતીને ફરજિયાત વિષય તરીકે દાખલ કરવા માટે સમર્પિત છે, જેથી દરેક વિદ્યાર્થી તેમના વારસા અને સંસ્કૃતિ સાથે જોડાઈ શકે. પાઠ્યપુસ્તકોને વધુ રસપ્રદ બનાવી અને શિક્ષણ સામગ્રીઓમાં નવીનીકરણ લાવવા પાછળનો હેતુ સારું શૈક્ષણિક વાતાવરણ ઊભું કરવાનો છે.
- પ્રવાસન વિભાગ:
પ્રવાસન વિભાગે આપણા વારસાનો પરિચય કરાવતા પથ અને પ્રચાર સામગ્રી દ્વારા પર્યટન ક્ષેત્રને ગુજરાતી સંસ્કૃતિ સાથે ભેળવી દીધું છે, જે પ્રવાસન અને રાજ્યના સાંસ્કૃતિક તાણાવાણા, બંનેને સમૃદ્ધ બનાવે છે.
- માહિતી અને પ્રસારણ વિભાગ:
ગુજરાતી ભાષાની ફિલ્મો અને ટીવી કાર્યક્રમોના નિર્માણ માટે વિશેષ પ્રોત્સાહન આપી ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ થકી ભાષાના પ્રચાર માટે માહિતી અને પ્રસારણ વિભાગ સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે.
- ભાષા નિયામકની કચેરી:
ભાષા નિયામકના કચેરી તેના ડિજિટલ સંસાધનો, ભાષાના વર્ગો, કાર્યશાળાઓ અને શિષ્યવૃત્તિઓ દ્વારા ગુજરાતી ભાષાના ઉત્સાહીઓને સશક્ત બનાવે છે, જે ગુજરાતી ભાષાને જીવંત રાખવા માટે વિશેષ યોગદાન આપે છે.
- ભાષિણી: ડિજિટલ એપ્લિકેશન:
ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત ભારતના સામાન્ય નાગરિકોને અનેકવિધ સેવાઓ ઘેરબેઠાં ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વિવિધ ડિજિટલ એપ્લિકેશન્સ દેશને સમર્પિત કરવામાં આવી જેમાંની એક છે ભાષિણી.
ભાષિણીનો ઉદ્દેશ્ય તમામ ભારતીયોની તેમની પોતાની સ્થાનિક ભાષામાં ઈન્ટરનેટ અને ડિજિટલ સેવાઓ સુધી સરળ પહોંચ સુનિશ્ચિત કરવા અને ભારતીય ભાષાઓમાં સામગ્રી વધારવાનો છે. ભાષિણીમાં ગુજરાતી સહિત કુલ 22 બંધારણીય ભારતીય ભાષાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
વડાપ્રધાનના માર્ગદર્શનમાં વર્ષ-2015થી સૌ પ્રથમ શરૂ કરાયેલા ‘‘ડિજિટલ ઇન્ડિયા’’ થકી હવે ભારતની વિવિધ સ્થાનિક ભાષાઓમાં સમજણ વધવાથી એક બીજા રાજ્યોની ભાષા સરળતાથી સમજી સંવાદ કરી શકાશે, જેથી ‘‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’’ની સંકલ્પના વધુ મજબૂત બનશે.
ટેકનોલોજીના વધતા વ્યાપને કારણે ગુજરાતી જેવી સ્થાનિક ભાષાઓને પણ નવો મંચ મળ્યો છે. એક વખતના માત્ર અંગ્રેજી સમજી શકતા મોબાઇલ જેવા ઉપકરણોમાં ગુજરાતી ભાષામાં હવે સરળતાથી લખી શકાતું હોવાથી નિરક્ષર લોકો પણ તેનો સરળતાથી ઉપયોગ કરતા થયા છે. યુનિકોડ ફોન્ટને કારણે હવે કોમ્પ્યુટર-મોબાઇલ વગેરેમાં ગુજરાતી લખવું સરળ બન્યું છે, તો વળી, અત્યાધુનિક ટેકનોલોજીને કારણે હવે ટાઈપ કરવાને બદલે બોલીને પણ ગુજરાતી લખી શકાય છે. આમ, ટેકનોલોજીએ ગુજરાતી સહિત સ્થાનિક ભાષાઓને નવું જીવન પ્રદાન કરવા કર્યું છે.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

