લખનૌ, 30 ડિસેમ્બર: ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે રાજ્યમાં ગેરકાયદે નશાના કારોબાર વિરુદ્ધ અત્યાર સુધીનું સૌથી મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ‘ઝીરો ટોલરન્સ’ નીતિ હેઠળ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશ પર ખાદ્ય સુરક્ષા અને ઔષધિ વહીવટીતંત્રએ કોડીનયુક્ત કફ સિરપ અને NDPS શ્રેણીની દવાઓના ગેરકાયદે વેચાણ અને સંગ્રહખોરી પર દેશનો સૌથી મોટો ક્રેકડાઉન કર્યો છે.
- ત્રણ મહિનાની ગુપ્ત તપાસ અને 52 જિલ્લામાં દરોડા
આ ઓપરેશનની શરૂઆત ત્રણ મહિના પહેલા ગુપ્ત રીતે કરવામાં આવી હતી. FSDA ની ટીમોએ ઝારખંડ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં જઈને પુરાવા એકત્ર કર્યા હતા. તપાસમાં બહાર આવ્યું છે કે દિલ્હી અને રાંચીના સુપર સ્ટોકિસ્ટો દ્વારા યુપીના હોલસેલરો સાથે મળીને નકલી બિલિંગ દ્વારા નશાકારક દવાઓની સમાંતર વિતરણ શૃંખલા ચલાવવામાં આવતી હતી.
- કરોડોની બોટલોનો કોઈ હિસાબ નથી
તપાસ દરમિયાન અત્યંત ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, ફેન્સિડિલ (એબોટ હેલ્થકેર)ની 2.23 કરોડથી વધુ બોટલો, એસ્કોફ (લેબોરેટ ફાર્મા)ની 73 લાખથી વધુ બોટલો તથા અન્ય કંપનીઓની આશરે 25 લાખ બોટલો મળીને કુલ 3.21 કરોડથી વધુ કફ સિરપની બોટલોનો તબીબી ઉપયોગ સાબિત થઈ શક્યો નથી, જેનો ઉપયોગ નશા તરીકે કરવામાં આવતો હોવાની આશંકા છે.
પોલીસ અને STF એ અત્યાર સુધીમાં 79 એફઆઈઆર (FIR) નોંધીને 85 આરોપીઓની ધરપકડ કરી છે. અલ્હાબાદ હાઈકોર્ટે પણ 22 કેસોમાં આરોપીઓની ધરપકડ પર સ્ટે આપવાની અરજી ફગાવી દીધી છે અને NDPS એક્ટ હેઠળ કાર્યવાહીને યોગ્ય ગણાવી છે. ગેરકાયદે નશાના વેપારથી કમાયેલી મિલકતો જપ્ત કરવા માટે આરોપીઓ વિરુદ્ધ ગેંગસ્ટર એક્ટ હેઠળ કાર્યવાહી કરવા જિલ્લા મેજિસ્ટ્રેટોને પત્ર લખવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ બંગાળમાં ભાજપની સરકાર બનતા જ ઘૂસણખોરી પર લાગશે બ્રેક: અમિત શાહ


