
કેરલના પલક્કડમાં RSSના કાર્યકરની તિક્ષણ હથિયારના ઘા મારી કરાઈ હત્યા
બેંગ્લોરઃ કેરલમાં છેલ્લા કેટલાક સમયથી હિન્દુ સંગઠનોના અગ્રણી અને કાર્યકરોની હત્યામાં વધારો થયો છે. દરમિયાન કેરલના પલક્કડમાં બાઈક ઉપર આવેલા અજાણ્યા શખ્સોએ આરએસએસની કાર્યકરની તિક્ષણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરી હતી. કેરળમાં આરએસએસના કાર્યકરની હત્યાના પગલે સંઘના નેતા અને કાર્યકરોમાં રોષ ફેલાયો છે અને હત્યારાઓને ઝડપી લઈને તેમની સામે આકરી કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.
પ્રાથમિક માહિતી અનુસાર કેરલના પલક્કડમાં રહેતા શ્રીનિવાસન નામના આધેડ આરએસએસ સાથે જોડાયેલા હતા. તેમજ શહેરના મધ્યમાં દુકાન ધરાવે છે. આજે સવારે તેઓ નિયમિત દુકાન ગયા હતા અને સવારના સમયે તેઓ બેઠા હતા ત્યાર મોટરસાઈકલ ઉપર કેટલાક હુમલાખોરો આવ્યાં હતા. શ્રીનિવાસન કંઈ પણ સમજે તે પહેલા જ હુમલાખોરો દુકાનમાં ઘુસી ગયા હતા અને તેમની ઉપર હુમલો કર્યો હતો. શ્રીનિવાસન ઉપર હુમલો કરીને હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. આ બનાવને પગલે આસપાસના લોકો સ્થળ પર દોડી ગયા હતા. તેમજ તેમને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયાં હતા. જ્યાં તેમનું મોત થયું હતું. આ બનાવને પગલે પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. કેરલમાં છેલ્લા કેટલાક સમયથી હિન્દુ આગેવાનોની હત્યાને પગલે લોકોમાં રોષ ફેલાયો છે.
આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડ- ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને આરએસએસ અને ભાજપાના નેતાઓ અને કાર્યકરોમાં રોષ ફેલાયો છે. દરમિયાન ભાજપાએ જણાવ્યું હતું કે, તેમની હત્યા પાછળ પીએફઆઈનો હાથ છે. પીએફઆઈ સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ.