
ઈંગ્લેન્ડે ત્રણ મેચોની ટેસ્ટ શ્રેણીની બીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 241 રને હરાવ્યું
નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડે ત્રણ મેચોની ટેસ્ટ શ્રેણીની બીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 241 રને હરાવ્યું. આ જીત સાથે, ઈંગ્લેન્ડે શ્રેણીમાં તેમજ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સ્ટેન્ડિંગમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. આ શાનદાર પ્રદર્શન અને વેસ્ટ ઈન્ડિઝ સામેની જીત બાદ ઈંગ્લેન્ડ હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25માં છઠ્ઠા સ્થાને પહોંચી ગયું છે. વર્તમાન ચક્રમાં ઈંગ્લેન્ડની આ 5મી જીત છે.
ઇંગ્લિશ ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25માં અત્યાર સુધીમાં કુલ 12 ટેસ્ટ રમી છે, જેમાંથી 6માં હાર થઈ છે અને 1 મેચ ડ્રો રહી છે. છઠ્ઠા સ્થાને પહોંચેલ ઈંગ્લેન્ડના હાલ 31.25 ટકા અંક છે. આગામી વર્ષે લોર્ડ્સમાં યોજાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં સ્થાન મેળવવા માટે ઇંગ્લિશ ટીમ પાસે હવે અને વર્ષના અંત વચ્ચે 10 વધુ ટેસ્ટ મેચો બાકી છે.
બીજી તરફ ટ્રેન્ટ બ્રિજ ખાતે ઈંગ્લેન્ડ સામે છેલ્લી ઘડીની હાર બાદ વેસ્ટ ઈન્ડિઝની ટીમ 22.22 ટકા જીત-હારની ટકાવારી સાથે ટેબલમાં નવમા સ્થાને સરકી ગઈ છે. ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટ મેચની વાત કરીએ તો ઈંગ્લિશ ટીમે ચોથા દિવસે જ મેચની સાથેસાથે શ્રેણી પણ જીતી લીધી હતી. રવિવારે 385 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમ 143 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઇંગ્લેન્ડ તરફથી સ્પિનર શોએબ બશીર (5-41) સૌથી સફળ બોલર રહ્યો હતો.
ઈંગ્લેન્ડ હવે વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ મેચની શ્રેણીમાં 2-0થી આગળ છે. ત્રીજી અને છેલ્લી મેચ 26 જુલાઈથી બર્મિંગહામમાં રમાશે. ઇંગ્લેન્ડે પ્રથમ ટેસ્ટ મેચ ઇનિંગ્સ અને 114 રને જીતી લીધી હતી. ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ટેબલમાં ભારત 9 મેચમાં 68.2 પોઈન્ટ સાથે નંબર 1 પર છે. જ્યારે ઓસ્ટ્રેલિયા 12 મેચમાં 62.50 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. આ પછી ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા અને પાકિસ્તાન ઈંગ્લેન્ડથી આગળ છે, પરંતુ આ ટીમોની સરખામણીમાં ઈંગ્લેન્ડે સૌથી વધુ 12 મેચ રમી છે.