 
                                    આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ વિદેશ પ્રધાન નટવરસિંહે એક મોટી ટીપ્પણી કરી છે. તેમણે કહ્યુ છે કે મહાગઠબંધન 2019ની લોકસભા ચૂંટણીમાં જીત પ્રાપ્ત કરશે અને યુપીના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન માયવાતી વડાપ્રધાન પદના સૌથી વધુ પ્રબળ દાવેદાર બનીને ઉભરશે.

એક સમયે ઈન્દિરા ગાંધીના નિકટવર્તી રહેલા નટવરસિંહે કહ્યુ છે કે રાહુલ ગાંધી આગામી વડાપ્રધાન નહીં હોય. આ લગભગ નક્કી થઈ ચુક્યું છે. નટવર સિંહે કહ્યુ છે કે વડાપ્રધાન પદ માટે બીએસપીના અધ્યક્ષ માયાવતીનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. તેમણે કહ્યુ છે કે કોંગ્રેસ આગામી લોકસભા ચૂંટણીમાં પોતાની બેઠકોને માત્ર બેગણી સુધી એટલે કે 88થી 90 સુધીની કરી શકે તેમ છે.
નટવરસિંહ અલવરની રામગઢ વિધાનસભા બેઠક પરથી બીએસપીની ટિકિટ પર ચૂંટણી લડી રહેલા પોતાના પુત્ર જગતસિંહના ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા હતા. તેમણે કહ્યુ છે કે ભારતના રાજકારણમાં યુપીની મહત્વપૂર્ણ ભૂમિકા છે. માટે માયાવતીના વડાંપ્રધાન બનવાની સંભાવનાઓ ઘણી વધી ગઈ છે. મહાગઠબંધનને લઈને નટવરસિંહે કહ્યુ છે કે વડાપ્રધાન મોદી હજી સુધી દક્ષિણ ભારતને સમજી શક્યા નથી, કારણ કે આના માટેનું કોઈ વિઝન નથી. કોંગ્રેસનું ઓલ ઈન્ડિયા વિઝન હતું, તેવું મોદીનું વિઝન રહ્યું નથી. તેમણે કહ્યુ છે કે મહાગઠબંધન તો બનશે, તે કોલક્ત્તામાં સાબિત થઈ ચુક્યું છે. ત્રણ રાજ્યોમાં ભાજપની હાર બાદ મોદીની છબી ઝાંખી પડી છે. તેમણે કટાક્ષ કરતા કહ્યુ છે કે રાજસ્થાનમાં શાસન કરવું અલગ વાત છે અને દેશ પર સત્તા ચલાવવી અલગ વાત છે.
રાજસ્થાન સરકારને નિશાને લેતા નટવરસિંહે કહ્યુ છે કે અશોક ગહલોત અને સચિન પાયલટ વચ્ચે પારસ્પરીક મતભેદને કારણે રાજસ્થાન સરકાર વધુ દિવસ સુધી ચાલવાની નથી. તેમણે કહ્યુ છે કે કોંગ્રેસ પાર્ટી માત્ર સોનિયા ગાંધીને કારણે જ એક છે. સોનિયા ગાંધી બાદ કોંગ્રેસનું વિભાજીત થવું સ્વાભાવિક લાગે છે.
મહાગઠબંધનને લઈને ભૂતપૂર્વ વિદેશ પ્રધાન નટવરસિંહે કહ્યુ છે કે જેવી રીતે ગઠબંધન બન્યું છે, તેનાથી સ્પષ્ટ છે કે જીત મહાગઠબંધનની જ થશે. તેમણે ચૂંટણીમાં ભાજપના સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બનવાની શક્યતા દર્શાવી છે, પરંતુ ભાજપના બહુમતીથી દૂર રહેવાની આગાહી પણ કરી છે. નટવરસિંહે માયાવતીના વખાણ કરતા તેમને આગામી ચૂંટણીમાં વડાંપ્રધાન પદના દાવેદાર ગણાવ્યા છે. આર્થિક આધાર પર ગરીબ સવર્ણોને દશ ટકા અનામત મામલે બોલતા નટવરસિંહે કહ્યુ હતુ કે ચૂંટણીથી ત્રણ માસ પહેલા આનો કોઈ અર્થ નથી. લોકો કોર્ટમાં જશે, બીજું આને વર્ષ પહેલા લાવવામાં આવત તો સારું થાત.
 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

