1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પીપાવાવ પોર્ટ પર 10 સિંહો રેલવેના ટ્રેક પર આવતા ગુડ્ઝ ટ્રેનના પાયલોટે ઈમરજન્સી બ્રેક મારી
પીપાવાવ પોર્ટ પર 10 સિંહો રેલવેના ટ્રેક પર આવતા ગુડ્ઝ ટ્રેનના પાયલોટે ઈમરજન્સી બ્રેક મારી

પીપાવાવ પોર્ટ પર 10 સિંહો રેલવેના ટ્રેક પર આવતા ગુડ્ઝ ટ્રેનના પાયલોટે ઈમરજન્સી બ્રેક મારી

0
Social Share

અમરેલીઃ જિલ્લામાં સિંહોની વસતીમાં વધારો થયો છે. જેમાં પીપાવાવ પોર્ટ અને તેની આજુબાજુના દરિયાકાંઠા વિસ્તારોમાં સિંહ પરિવારોએ નવું રહેઠાણ બનાવ્યું છે. પીપાવાવ પોર્ટને લીધે રેલવેની બ્રોડગેજ લાઈન હોવાથી ગુડઝ ટ્રેનોની પણ અવર-જવર રહેતી હોય છે. અને ઘણીવાર સિંહ રેલવે ટ્રેક પર આવી જતા હોય છે. ભૂતકાળમાં ટ્રેનની અડફેટે સિંહોના મોતના બનાવો બન્યા હોવાથી હાઈકોર્ટના નિર્દેશ બાદ ટ્રેનોની ગતિ મર્યાદા પણ નિયંત્રિત કરવામાં આવેલી છે. અને ટ્રેનના પાયલોટ દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવતી હોય છે. દરમિયાન આજે સોમવારે સવારે  10 જેટલા સિંહો પીપાવાવ પોર્ટ પાસે ટ્રેનના ટ્રેક પાસે આવી ગયા હતા. જોકે ગુડ્ઝ ટ્રેનના લોકો પાયલોટે સમય સૂચકતા વાપરી હતી અને ઇમરજન્સી બ્રેક લગાવી 10 સિંહોને ટ્રેનની અડફેટે આવતા બચાવ્યા હતા.

ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા મુજબ આજે તા. 17 જૂનને સોમવારના રોજ સવારે લોકો પાઇલટ મુકેશ કુમાર મીના પીપાવાવ પોર્ટ સ્ટેશનથી પીપાવાવ પોર્ટ સાઈડિંગ તરફ માલગાડ઼ી સંખ્યા LLU/PPSP, લોકો નંબર 24690ને લઈને જઈ રહ્યા હતા ત્યારે સિંહોને ટ્રેક પર બેઠેલા જોતા જ તાત્કાલિક ઇમરજેન્સી બ્રેક લગાવીને ટ્રેનને રોકી દીધી હતી. ટ્રેનને રોકીને  થોડીવાર રાહ જોયા પછી બધા સિંહો ધીમે ધીમે પાટા પરથી ખસી ગયા હતા. સિંહોની કુલ સંખ્યા 10 હતી. સિંહોને ટ્રેક પરથી ખસી ગયા પછી લોકો પાયલોટ દ્વારા ટ્રેનને પીપાવાવ પોર્ટ સાઇડિંગ તરફ લઈ જવામાં આવી હતી. લોકો પાયલોટે આ અંગે ડિવિઝનલ ઓફિસ કંટ્રોલને જાણ કરી હતી. લોકો પાયલોટ મુકેશ કુમાર મીણાના આ પ્રશંસનીય કાર્યની ડિવિઝનલ રેલવે મેનેજર રવીશ કુમાર, એડિશનલ ડીવીઝનલ રેલ્વે મેનેજર હિમાંશુ શર્મા અને અન્ય અધિકારીઓ દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code