
રાજકોટમાં યુનિ.રોડ પરના એપાર્ટમેન્ટના ચોકીદારની બે બાળકીના સ્વિમિંગ પુલમાં ડુબી જતાં મોત
રાજકોટઃ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલા શિલ્પન ઓનિક્સ એપાર્ટમેન્ટમાં રહેતા અને ત્યાં જ ચોકીદારી કરતા નેપાળી પરિવારની બે ત્રણ-ત્રણ વર્ષની બાળકી રમતા રમતા સ્વિમિંગ પૂલમાં પડી ગઈ હતી. જો કે, કોઈ બચાવે તે પહેલા જ બન્ને માસુમ બાળકીઓના ડૂબી જતાં મોત નિપજ્યા હતા. સોસાયટીના સ્વિમિંગ પૂલ ખાતે રાત્રિના 9.30 વાગ્યા બાદ લગભગ એકાદ કલાક સુધી બન્ને બાળકીનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. સ્થાનિકોએ 108 બોલાવી બન્ને બાળકીને બચાવવા કોશિશ કરી હતી. પરંતુ બન્ને બાળકીનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, શહેરના યુનિવર્સિટી રોડ પર રૈયા ગામ નજીક આવેલા શિલ્પન ઓનેક્સ નામની બિલ્ડિંગમાં નેપાળી પરિવારની બે માસુમ બાળકીના સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાના કારણે મોત નિપજ્યા હતા બન્ને બાળકીઓ ત્રણ વર્ષની હતી, જેમના નામ પ્રકૃતિ ગોકુલ ચાંદ અને મેનુકા પ્રકાશ સિંઘ હોવાનું જાણવા મળ્યું છે. નેપાળી પરિવારની ત્રણ વર્ષની બે દીકરીઓ સાયકલ ચલાવવાનું કહીને ઘરેથી નીકળી હતી. આ બંને દીકરીઓ એક કલાક પછી પણ ઘરે પરત ન ફરતા પરિવારે બંનેની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન બંનેના મૃતદેહ સ્વિમિંગ પૂલમાં તરતા દેખાતા 108ને જાણ કરવામાં આવી હતી. જે બાદ ડોક્ટરે દીકરીઓને તપાસતાં બંનેના મોત નીપજ્યાનું જણાવ્યુ હતુ. સ્વિમિંગ પૂલ ચારે બાજુ કાચથી કવર કરેલો છે. અને નીચે ઉતરવા માટે એક બારણું પણ બનાવવામાં આવ્યું છે. તેમ છતાંપણ આ દીકરીઓ સ્વિમિંગ પુલમાં કઇ રીતે ગઇ તે તપાસનો વિષય છે. આ બનાવથી નેપાળી પરિવારમાં ભારે ગમગીની વ્યાપી ગઈ હતી.
રાજકોટ શહેરમાં ગત માર્ચ મહિનામાં આવો જ બનાવ બન્યો હતો જેમા એક બાળકનું મોત નીપજ્યુ હતુ. રાજકોટ શહેરના ન્યુ 150 ફૂટ રીંગ રોડ પર આવેલા કસ્તુરી ઓરમ એપાર્ટમેન્ટમાં અમૃત વિશ્વકર્મા નામનું બાળક પાણી સાથે રમતા રમતા સ્વિમિંગ પૂલમાં પડી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતુ. આ બાળક પણ નેપાળી પરિવારોનો જ હતો.