
આઈસીસી ટી 20 વિશ્વકપઃ સુપર-8માં ટીમ ઈન્ડિયાનો શિડ્યુઅલ જાહેર
નવી દિલ્હીઃ અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ દ્વારા આયોજિત T20 વર્લ્ડ કપ 2024 હવે સુપર-8માં પહોંચી રહ્યો છે. ગ્રુપ સ્ટેજની 38 મેચ રમાઈ છે. સુપર-8ની આઠ ટીમો નક્કી કરવામાં આવી છે. સુપર-8 રાઉન્ડ 19 જૂનથી શરૂ થશે. આ વર્લ્ડ કપમાં 20 ટીમો રમાડવા આવી હતી, જેને પાંચ-પાંચના ચાર ગ્રુપમાં વહેંચવામાં આવી હતી. દરેક ગ્રુપની ટોચની બે ટીમ સુપર-8માં પહોંચી ગઈ છે.
સુપર-8ની આઠ ટીમો નક્કી કરવામાં આવી છે. આ T20 વર્લ્ડ કપમાં કેટલાક મોટા અપસેટ પણ જોવા મળ્યા છે. જ્યારે અફઘાનિસ્તાને ન્યૂઝીલેન્ડ જેવી મોટી ટીમને ચોંકાવી દીધી, તો અમેરિકાએ પાકિસ્તાનની ટીમને ચોંકાવી દીધી. આ વખતે ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન અને શ્રીલંકા જેવી કેટલીક ભૂતપૂર્વ ચેમ્પિયન ટીમ સુપર-8માં જોવા નહીં મળે. તેમની જગ્યાએ અમેરિકા અને અફઘાનિસ્તાન જેવી નવી અને મજબૂત ટીમોએ પોતાનું સ્થાન બનાવ્યું છે. ભારત, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ, અફઘાનિસ્તાન, અમેરિકા, ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશ સુપર-8 માટે ક્વોલિફાય થયા છે.
ગ્રુપ એકમાં ભારત, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશનો સમાવેશ થાય છે. જ્યારે ગ્રુપ 2માં ઈંગ્લેન્ડ, અમેરિકા, દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝનો સમાવેશ થાય છે. ટીમ ઈન્ડિયા સુપર-8માં પ્રથમ મેચ 20મી જૂનના રોજ અફઘાનિસ્તાન સામે રમશે. આ મેચ બાર્બાડોસમાં રમાશે. આ ઉપરાંત એન્ટિગુઆમાં 22મી જૂને ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ભારતીય સમય અનુસાર રાતના આઠ કલાકે મેચ રમાશે. જ્યારે લુસિયામાં તા. 24મી જૂને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રાતના આઠ કલાકે મેચ રમાશે.