
વડોદરામાં ટ્રાફિક પોલીસ માટે 125 AC હેલ્મેટ ખરીદાયા, ગૃહરાજ્ય મંત્રીના હસ્તે આજે વિતરણ
વડોદરાઃ શહેરમાં ટ્રાફિક પોલીસના જવાનો ટ્રાફિક નિયમન માટે અવિરત સેવા બજાવતા હોય છે. જેમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં રોડ પર ઊભા રહીને ટ્રાફિક નિયમનની સેવા કપરી બની જતી હોય છે. ત્યારે શહેરના ધારાસભ્ય અને વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લએ પોતાની ગ્રાન્ટમાંથી અનુમતી આપતા 125 વાતાનુકૂલિત (AC) હેલ્મેટ ખરીદવામાં આવ્યા છે. આ હેલ્મેટનું વિતરણ રાજ્યગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આજે રવિવારે કરાશે.
વડાદરા શહેરમાં ટ્રાફિકનું નિયમન કરતા જવાનો બારેમાસ અને દરેક ઋતુમાં ખડે પગે ફરજ નિભાવતા હોય છે. તેમના માટે એસી હેલ્મેટ ખરીદાયા છે. ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ દ્વારા પોલીસ કમિશનરને ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓને એસી હેલ્મેટ ફાળવવા 25 લાખની ગ્રાન્ટની ફાળવણી કરી છે. આ માટે મ્યુનિ.એ ઓફર મગાવતાં એકમાત્ર કંપનીની ઓફર આવી હતી. આ કંપની કસ્ટમાઇઝ એસી હેલ્મેટ બનાવે છે. ઓફર મુજબ હેલ્મેટની કિંમત રૂા.16,750 અને 18 ટકા જીએસટી મળી 19,765નો ભાવ મળ્યો હતો. 25 લાખની ગ્રાન્ટમાંથી 125 એસી હેલ્મેટ માટે 24.70 લાખનો ખર્ચ કરી પોલીસ વિભાગને ફાળવાયા છે. જેની સત્તા મ્યુ. કમિ.ને આપવા દરખાસ્તને વધારાના કામ તરીકે સ્થાયીના એજન્ડા પર મૂકી મંજૂરી અપાઈ છે. આ હેલ્મેટ આજે ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે વિતરણ કરાશે.
શહેરમાં ઉનાળામાં 40 ડિગ્રીથી વધુ ગરમીમાં ટ્રાફિક નિયમન કરવા રોડ પર ઊભા રહેતા પોલીસના જવાનોની હાલત અત્યંત દયનિય બનતી હોય છે. આ ઉપરાંત વાહનોમાંથી નીકળતા ધુમાડાના કારણે જવાનોની તબિયત લથડતી હોય છે. ત્યારે બંને બાબતોમાં હેલ્મેટથી જવાનને રક્ષણ મળશે. આ હેલ્મેટમાં એસી બેટરીથી ચાલતું હોવાથી તેને જરૂરિયાત મુજબ ચાર્જ કરી શકાશે. હેલ્મેટની ખાસીયત એ છે કે, તે પહેરનારા જવાનોને ગરમીથી 4થી 5 ડિગ્રી સુધી રાહત મળશે. હેલ્મેટનો પંખો ફરતો હોવા છતાં કોઈ ઘોંઘાટ નહીં થાય. હેલ્મેટની આગળ કાચ હોવાથી ધુમાડો કે રજકણો અંદર જતા અટકશે. તેમજ એક વખત ચાર્જિંગ કર્યા બાદ તે 8થી 10 કલાક સુધી ચાલી શકે તેટલી કેપેસિટી હશે.