- બાલાસિનોરના 34 વિસ્તારમાં કમળાના કેસનો ઉપદ્રવ
- માત્ર સરકારી જ નહીં ખાનગી દાવાખાનામાં પણ કમળાના કેસ નોંધાયા
- પાણીની લાઈનમાં ગટરના પાણી ભળતા રોગચાળો ફેલાયો
બાલાસિનોરઃ મહીસાગરના બાલાસિનોર શહેરમાં કમળાના કેસમાં વધારો થતા આરોગ્ય વિભાગ દોડી આવ્યું છે. શહેરના 34 વિસ્તારમાં કમળાના 126 કેસ નોંધાયા છે. આ કેસ માત્ર સરકારી દવાખાનામાં નોંધાયેલા છે. જ્યારે ખાનગી દવાખાનામાં પણ ઘણા કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગે 20 ટીમો બનાવી અને સર્વેની અને સેમ્પલિંગની કામગીરી હાથ ધરી છે.
બાલાસિનોરમાં કમળાના કેસમાં વધારો થઈ રહ્યો છે.સરકારી દવાખાનમાં કમળાના 126 કેસ નોંધાયા છે. ઘણા સમયથી દૂષિત પાણીની લોકો ફરિયાદો કરી રહ્યા છે. પીવાના પાણીની લાઈનમાં ગટરનું પાણી મિક્સ થવાના કારણે રોગચાળો ફેલાયો હોવાનું લેબ રિપોર્ટમાં સામે આવ્યું છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં લેવામાં આવેલા પાણીના સેમ્પલોમાંથી 15 સેમ્પલ અનફીટ જાહેર થયા છે. આ કારણે બાલાસિનોર શહેર કમળાના ભરડામાં આવ્યું છે. શહેરમાં કીરકીટવાડ, કડિયાવાડ, સાંઈનગર સોસાયટી, નુરેઈલાહી, હુસેનીચોક, ગોલવાડ, પાંચ હાટડીયા, નીલમ સોસાયટી સહિતના વિસ્તારોમાં છેલ્લા 3 માસમાં 74 જેટલા કમળાના કેસ નોંધાયા છે. આ વિસ્તારોમાં કમળાનો કહેર જોવા મળ્યો છે. હાલ આ સ્થિતિને નિવારવા આરોગ્ય વિભાગ કામે લાગ્યું છે. કમળો થવાનું મુખ્ય કારણ ઉભરાતી ગટરોના દૂષિત પાણીથી ગંદકી ફેલાવાના કારણે તેમજ પીવાના પાણીમાં ગટરનું પાણી મિશ્રિત થઈ જવાથી અને બહારનો વાસી ખોરાક ખાવાથી કમળો થઈ શકે છે. કમળાના રોગથી બચવા હાથ ધોઈને જમવુ, પાણી ઉકાળીને ઠંડું કરીને પીવું, શાકભાજી તેમજ ફ્રૂટ ધોઈને સાફ કરીને ખાવુ તથા બહારનો વાસી અને ખુલ્લો ખોરાક ખાવાનું ટાળવા જેવી સાવચેતી જરૂરી છે.


