
ઉકાઈ ડેમના 13 દરવાજા ખોલાયાં, 1.46 લાખ ક્યુસેક પાણી છોડાયું
અમદાવાદઃ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. જેથી જળાશયોમાં નવા પાણીની સતત આવક થઈ રહી છે. દરમિયાન ઉકાઈ ડેમના 13 દરવાજા ખોલીને તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.
સુત્રોના જણાવ્યા અનુસાર ઉકાઈ ડેમની જળસપાટી હાલ 332.89 ફુટે પહોંચી છે, હાલ ડેમમાં 87779 ક્યુસેક જેટલા પાણીની આવક થઈ રહી છે. ડેમમાં પાણીની વક વધતા 22 દરવાજા પૈકીને 13 દરવાજા ખોલીને તાપી નદીમાં 1.46 લાખ ક્યુકેસ પાણી છોડવામાં આવી રહ્યું છે.
ઉકાઈ ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા માટે પાણી છોડવામાં આવતા તાપી નદીના આસપાસના ગામોને સાબદા રહેવા તાકીદ કરવામાં આવ્યાં છે. ઉકાઇ ડેમ બન્યો ત્યારે વીજળીને પણ ધ્યાનમાં રાખીને હાઇડ્રો યુનિટ બનાવાયા હતા.
ઉકાઇ ડેમ નજીક કુલ છ હાઇડ્રો યુનિટ છે. જેમાં એક યુનિટમાં 75 મેગાવોટની વીજળી ઉત્પાદન થઇ શકે તેવા ચાર યુનિટ છે. તો બીજા બે યુનિટ નાના છે. જેમાં એક યુનિટમાં 2.5 મેગાવોટ અને બે થઇને પાંચ મેગાવોટ વીજળી ઉત્પાદન થાય છે. છેલ્લા બે વર્ષમાં મેઘરાજાની મહેર જોવા મળતા સતત હાઇડ્રો ચાલુ રખાતા કરોડો રૂપિયાની વીજળી જનરેટ થઇ હતી.