1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. 13 મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ગરિમાપૂર્ણ ઉજવણી, વિજેતા સ્પર્ધકોને પુરસ્કાર અપાયા
13 મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ગરિમાપૂર્ણ ઉજવણી, વિજેતા સ્પર્ધકોને પુરસ્કાર અપાયા

13 મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ગરિમાપૂર્ણ ઉજવણી, વિજેતા સ્પર્ધકોને પુરસ્કાર અપાયા

0

ગાંધીનગરઃ 13મા રાષ્ટ્રીય મતદાતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણીના સમારોહમાં વર્ચ્યુઅલી સંબોધન કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, જેમ એક એક બૂંદથી ઘડો ભરાય છે એમ એક એક મતથી સરકાર રચાય છે. પ્રત્યેક મતદાતા દ્વારા તર્કબધ્ધ નિર્ણય અને પ્રબુદ્ધતાથી કરાતા મતદાનથી જ રાજ્ય અને દેશ સશક્ત બને છે. પ્રત્યેક મતદાતાના પોતાના મતના મહત્વને સમજીને રાષ્ટ્ર નિર્માણમાં લોકકલ્યાણ હેતુ માનવતાની ભલાઈ માટે થતા મતાધિકારના ઉપયોગથી અખંડ, સશક્ત અને મહાન રાષ્ટ્રનું નિર્માણ થાય છે.

ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી હોલમાં આયોજિત રાજ્યકક્ષાની ઉજવણીના કાર્યક્રમમાં રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ ઉપસ્થિત તમામ અધિકારીઓ, કર્મચારીઓ,મહેમાનો, મહાનુભાવો તથા યુવા મતદારોને રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તના શપથ લેવડાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, દુનિયાના સૌથી વિશાળ લોકશાહી દેશ ભારતની જનતાને સ્વતંત્રતાપૂર્વક મત આપવાનો અધિકાર છે. આઝાદી મળી ત્યારથી આ મહાન દેશમાં નિયમિત અને યોગ્ય રીતે ચૂંટણીઓ યોજાય છે. ભારતની લોકશાહી હવે પરિપક્વ થઈ છે. ભારતની જનસંખ્યા, ભાષાના વૈવિધ્ય, ભૌગોલિક ભિન્નતા છતાં તમામ મતદારો સ્વતંત્રતાપૂર્વક પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે જેનું આપણને ગર્વ છે અને દુનિયા આશ્ચર્યચકિત છે.

રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, રાષ્ટ્રનું ભવિષ્ય કેવું હોવું જોઈએ? દેશની સત્તા કોના હાથમાં સોંપવી જોઈએ? એનો નિર્ણય સમજદાર અને વિવેકશીલ મતદાતા કરે છે. વ્યક્તિગત હિતને બાજુએ મૂકીને, રાજ્ય અને રાષ્ટ્રના હિતને સર્વોપરી માનીને, નિસ્વાર્થ ભાવે, પરોપકાર ભાવથી થતું મતદાન આત્મનિર્ભર ભારતની વિકાસ ભણીની તેજ ગતિમાં મતદાતાનું વ્યક્તિગત પ્રદાન છે. ભારતની ગરિમાપૂર્ણ પ્રગતિ ભારતના મતદાતાના નિર્ણય અને અભિપ્રાયથી વધુ ઉન્નત થઈ છે.

પ્રાસંગિક ઉદ્બોધન કરતાં મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ જણાવ્યું હતું કે, આજે વિશ્વની સૌથી મોટી અને ગૌરવવંતી લોકશાહી તથા કરોડો મતદારોના અધિકારની ઉજવણીનો કાર્યક્રમ છે. લોકતંત્રને છાજે તેવી વ્યવસ્થા સાથે કરોડો મતદારોના સહયોગથી શાંતિપૂર્ણ ચૂંટણીઓ સંપન્ન કરવામાં આવી છે. નાગરિકોની મતાધિકાર પ્રત્યેની કટિબદ્ધતા અને ચૂંટણી તંત્રના અધિકારીઓ – કર્મચારીઓની નિષ્ઠા બદલ તમામનો આભાર વ્યક્ત કરૂં છું.

રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનરશ્રી સંજય પ્રસાદના હસ્તે ચૂંટણી પ્રક્રિયામાં નિષ્ઠાપૂર્વક અને સમર્પિતપણે કામગીરી બદલ જિલ્લા ચૂંટણી તંત્ર અને મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીના અધિકારીઓ – કર્મચારીઓને પ્રશસ્તિપત્ર તથા રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published.