
આણંદઃ ઉત્તરાણના પર્વને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે બજારોમાં પતંગો અને દોરીની ખરીદીમાં તેજી આવી રહી છે. આ વર્ષે રો-મટીરીયલ મોંઘુ થતા પતંગોના ભાવમાં 15થી 20 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. પતંગ રશિયાઓ માટે ખંભાતી પતંગ એ નંબર વન ગણવામાં આવે છે. અને સૌથી વધુ ખંભાતી પતંગોની માંગ જોવા મળે છે. ખંભાતમાં નાના-મોટા 2200થી વધુ પતંગ ઉત્પાદકો અને 4500થી વધુ પતંગના કારીગરો પતંગ ઉત્પાદનમાં જોડાયેલા છે.
ગુજરાતમાં પતંગરસિયાઓમાં સુરતી દોરી અને ખંભાતી પતંગની વધુ માગ રહેતી હોય છે. ખંભાત શહેર પતંગ વ્યવસાયમાં સમગ્ર ગુજરાતમાં નહીં પરંતુ રાષ્ટ્રમાં બેનમુન પતંગ ઉત્પાદકો તરીકે આગવી ઓળખ ધરાવે છે. ખંભાતના પતંગના અગ્રણી ઉત્પાદકના કહેવા મુજબ અમારા પરિવારના 25થી વધુ સભ્યો પતંગ ઉત્પાદનમાં વ્યસ્ત રહીએ છીએ. છેલ્લા 80 વર્ષથી અમારી પેઢીઓ આ વ્યવસાય સાથે સંકળાયેલી છે. ખંભાતી પતંગ ઉદ્યોગની કમાન ચુનારા અને મુસ્લિમ સમાજમાં મજબૂત રીતે પ્રસરાઈ ચૂકી છે. ખંભાત ખાતે પતંગમાં હિન્દુ-મુસ્લિમ બન્ને પ્રજા રોજગારી મેળવી રહી છે. ખંભાત ખાતે પતંગ ઉદ્યોગે એક-બે મહિના નહીં, પરંતુ બારેમાસ રોજી આપતો લઘુ ઉદ્યોગ બની ચૂક્યો છે. જોકે ચાલુ વર્ષે રો મટીરીયલ પૂરતા પ્રમાણમાં આયાત ન થતા તેમજ વાદળછાયા ભેજવાળા વરસાદી માહોલમાં પતંગ ઉત્પાદકો પતંગ બનાવી શક્યા નથી. જેને લઇ ખંભાતના પતંગોની બજારમાં ખેંચ વર્તાઈ રહી છે.
પતંગ ઉત્પાદકોના જણાવ્યા મુજબ ખંભાત ખાતે ચાલુ વર્ષે ખંભાતના પતંગ સાહસિકોએ અનેક પ્રકારની કલાત્મક પતંગો વેચાણ અર્થે બજારમાં મુક્યા છે. જેમાં મુખ્યત્વે ચાપટ, દીલ ગુલ્લાવાળી, જીલ, પાનટોપેદાર, રોકેટ પતંગ, મેટલ પતંગ, મોદી પતંગ, સવાયા પતંગનો સમાવેશ થાય છે. આ ઉપરાંત શાનદાર છોટાભીમ, બાહુબલી, મિકી માઉસના પતંગો નાના બાળકોને સૌથી વધુ પ્રિય જોવા મળી રહ્યા છે.
આ અંગે પતંગ ઉત્પાદક દિપકભાઈએ જણાવ્યું હતું કે 60થી 70 વર્ષ પહેલા ખંભાતમાં જે પતંગો બનતી હતી તે પ્રકારની 24 કેરેટ સોના જેવી જ પતંગો આ વર્ષે બનાવવામાં આવી છે. ખંભાતના પતંગોની વિદેશોમાં પણ ખૂબ મોટી માંગ હોય છે. ખંભાતથી આફ્રિકા અમેરિકા, લંડન ફ્રાન્સ વગેરે દેશોમાં પણ ખંભાતી પતંગોની નિકાસ કરવામાં આવે છે. આ ઉપરાંત ખંભાતી પતંગો સૌરાષ્ટ્રથી શરૂ કરી છેક મુંબઈ સુધી પહોંચતા હોય છે. કાઠીયાવાડમાં રાજકોટ, ભાવનગર, જામનગર, પોરબંદરમાં પતંગો મોકલવામાં આવે છે. હોલસેલ વેપાર સાથે આ જ ઉત્પાદકો ઉતરાયણ પર્વ નજીક આવતા અમદાવાદ, વડોદરા, સુરત જેવા રાજ્યના મોટા સેન્ટરો સાથે નાના-નાના પ્રચલિત સેન્ટરો પર છુટક વેચાણ માટે ડેરા તંબુ તાણીને સીઝન સાચવી લે છે.
ખંભાતમાં ચુનારા લઘુમતી અને ડબગર સમાજ પતંગ ઉત્પાદનમાં મોખરે રહ્યો છે. આ કુટુંબની મહિલાઓ માટે પણ કુટુંબની આજીવિકા પૂરી પાડવા માટેનો આ વ્યવસાય ઉત્તમ ગણવામાં આવે છે. ખંભાતના કેટલાય કુટુંબો માટે આ ઉદ્યોગ લઘુ ઉદ્યોગ સાબિત થયો છે. આ કુટુંબો મહિનાના બાર માસમાંથી 10 માસ સુધી પતંગો બનાવવામાં વ્યસ્ત રહે છે. જ્યારે પુરુષો ગ્રાહકો સાથે કે વેપારીઓ સાથે વેચાણને લગતી પ્રવૃત્તિઓ કરે છે. ખંભાતી કનકવા અવનવી સ્ટાઇલમાં ખંભાત ખાતે ચાલુ વર્ષે ખંભાતના સાહસિકોએ અનેક પ્રકારની કલાત્મક પતંગો વેચાણમાં મુકેલ છે. જેમાં ચાંદેદાર લાડવેદાર દિલવાળી, સમડી, પોપટ, કમળ, પ્લેન, પાનટોપેદાર મુખ્ય રહેવા પામી છે. જ્યારે નવીનમાં સમડી, પોપટ, ચકલી, જેવી વેરાઈટીસ તથા ફિલ્મ એક્ટરોની પતંગો બજારમાં વેચાણમાં અગ્રેસર છે.