 
                                    અમદાવાદઃ જૂનાગઢમાં દરગાહના દબાણને દૂર કરવાની નોટિસ મામલે ઉશ્કેલાયેલા ટોળાએ પોલીસ ચોકી ઉપર હુમલો કર્યો હતો. આ બનાવને પગલે પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે, તેમજ તોફાનીઓને ઝડપી લેવા માટે કોમ્બીંગ કરવામાં આવ્યું છે. પોલીસે લગભગ 174 જેટલા તોફાનીઓને ઝઢપી લીધા હોવાનું જામવા મળે છે.
 
પ્રાપ્ત માહિતી અનુસાર જૂનાગઢમાં તોફાની ટોળાએ કરેલા હુમલામાં ઉચ્ચ અધિકારી સહિત પાંચ પોલીસ કર્મચારી ઘાયલ થયાં હતા. 400થી વધારે ધર્મ જૂનૂની ટોળાએ એક બાઇક પણ સળગાવી હતી. આ મામલામાં પોલીસે વધુ તપાસ શરુ કરી છે. સમગ્ર કાવતરું પૂર્વાયોજિત હોય તેવી આશંકા સેવાઈ રહી છે, કારણ કે મજેવડી ગેટ પાસે સાંજથી ટોળાં એકઠા થવા લાગ્યા હતા. ખાસ કરીને દરગાહનું દબાણ દૂર કરવા જૂનાગઢ કોર્પોરેશને નોટિસ ફટકારતા લોકો ઉશ્કેરાયા હતા. જેથી પોલીસે બંદોબસ્ત પણ ગોઠવ્યો હતો. તેમ છતાં ટોળું બેકાબૂ બન્યું હતું અને રોડ પરથી પસાર થતી એસટી બસના કાચ તોડ્યા હતા.

જેને પગલે બસમાં બેઠેલા મુસાફરોમાં ભારે ભયનો માહોલ છવાઇ ગયો હતો. ટોળુ બેકાબૂ બનતાં આખરે પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. ટોળાને કાબૂમાં લેવા પોલીસે બળપ્રયોગ શરૂ કરતાં ટોળાએ સોડા બોટલો, પથ્થરોથી હુમલો કર્યો હતો અને રસ્તા પર બાઇકને આગચંપી કરી હતી. જેને પગલે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો બોલાવીને લાઠીચાર્જ અને ટીયરગેસના સેલ છોડવામાં આવ્યા હતા. પોલીસે સમગ્ર મામલાને ગંભીરતાથી લઈને સમગ્ર વિસ્તારમાં કોમ્બીંગ શરૂ કર્યું હતું. પોલીસે લગભગ 174 જેટલા તોફાનીઓની અટકાયત કરી હતી. પોલીસે મુખ્ય કાવતરાખોરોને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી છે. તેમજ ફરીથી કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોસબ્ત તૈનાત કરવામાં આવ્યો છે.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

