
અમદાવાદઃ વાઇબ્રન્ટ ગુજરાતની 20 વર્ષની ફળશ્રુતિ વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ દેવભૂમિ દ્વારકા કાર્યક્રમ જળસંપતિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લાગતી બાબતો વિભાગના કેબિનેટ મંત્રી તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારીમંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને ખંભાળિયા ખાતે યોજાયો હતો.
આ પ્રસંગ્રે પ્રભારીમંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦ વર્ષ પહેલાં વાઇબ્રન્ટ ગુજરાતનું બીજ રોપ્યું હતું. આજે રાજ્ય સર્વ સમાવેશક વૃદ્ધિને ટકાઉ વિકાસ માટે મજબૂત વટવૃક્ષ બની સૌથી પ્રતિષ્ઠિત વૈશ્વિક મંચ તરીકે વિકસિત થયું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યના ઉદ્યોગિક વિકાસને વેગ મળ્યો છે નોંધપાત્ર સિદ્ધિના 20 વર્ષની ઉજવણી કરતી વખતે સરકાર દ્વારા તા. 10 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી, 2023 દરમિયાન મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે દસમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ, 2024નું આયોજન કરી રહી છે.
આ ફ્લેગશીપ ઇવેન્ટના ભાગરૂપે રાજ્યમાં જાગૃતિ ફેલાવવા માટે રાજ્યના દરેક જિલ્લામાં સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ ડિસ્ટ્રીક્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઇવેન્ટનો ઉદ્દેશ્ય જિલ્લાની MSME પ્રોડક્ટ, ખાદી, હેન્ડલૂમ, એગ્રો પ્રોડક્ટ્સ અને જિલ્લાની વન ડિસ્ટ્રીક્ટ વન પ્રોડક્ટ્સને સ્થાનિક રાજ્ય અને વૈશ્વિક સ્તરે વિવિધ તકો પૂરી પાડવાનો છે. તેઓએ કહ્યું કે દ્વારકા જિલ્લામાં 914 કરોડના 180 એમ. ઓ. યુ. થયા છે.
મંત્રીએ જણાવ્યું કે, દેવભુમિ દ્વારકા જિલ્લો ગુજરાતના ભૌગોલિક વિસ્તારમાં એક આગવું સ્થાન ધરાવે છે. ગુજરાતને મળેલ સમુદ્ર વિસ્તારમાં દેવભુમિ દ્વારકા પોતાનો હિસ્સો ધરાવે છે. સમૃધ્ધ સમુદ્ર વિસ્તારના કારણે અહિંના કાંઠાળ વિસ્તાર જેમકે, ઓખા, દ્વારકા, સલાયા, વાડીનાર વગેરે વિવિધ સમૃધ્ધ બંદરો આવેલા છે. જે દેશના નિકાસમાં પોતાનો અને ગુજરાતનો ફાળો આપે છે. સમુદ્ર વિસ્તારને કારણે પ્રવાસન ઉદ્યોગનો પણ વિકાસ થયેલ છે. જગત મંદિર દ્વારકા, બ્લુ ફલેગ શિવરાજપુર બીચ, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે સ્વપ્ન છે તે લીંક સિગ્નેચર બ્રિજ દેવભુમિ દ્વારકાના પ્રવાસન ઉદ્યોગને એક અગ્રિમ સ્થાન પર મુકે છે.
ખનિજ સંપન્ન ગુજરાતમાં દેવભુમિ દ્વારકા જિલ્લો કેલ્સાઈન બોકસાઈટનું અગ્રિમ ઉત્પાદન કરીને પોતાનું આગવું યોગદાન આપે છે. દેવભુમિ દ્વારકા જિલ્લામાં કેલ્સાઈન બોકસાઈટf ખનિજને લગત ઘણા ઉદ્યોગો સ્થાપિત થયેલ છે અને તેના થકી ઘણાલોકોને રોજગારી મળેલ છે. કૃષિ પ્રધાન ગુજરાત રાજયનો કૃષિ પ્રધાન દેવભુમિ દ્વારકા જિલ્લો મગફળી ઉત્પાદનમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે. જુલાઈ – 2020થી આજદિન સુધીમાં ગુજરાતમાં 60.74 લાખની રોજગારી ઉદ્યમ નોંધણી પોર્ટલ પર નોંધાયેલી છે. ગુજરાતમાં કુલ 45000 હેન્ડલુમનાં હેન્ડીક્રાફટ કારીગરો છે.
જિલ્લા કલેકટર અશોક શર્માએ જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ દેવભૂમિ દ્વારકા કાર્યક્રમ અંતર્ગત ટીમ દેવભૂમિ દ્વારકામાં 150ના લક્ષ્યાંકથી વધુ 180 એમઓયુ અને 914.17 કરોડનું રોકાણ કરાશે. આ નવા પ્રોજેક્ટ દ્વારા જિલ્લાના અંદાજે 1500 લોકોને રોજગારી મળશે. નાના મોટા ઉદ્યોગ સાહસિકો પોતાના વ્યવસાય શરૂ કરી શકે તે માટે વિવિધ યોજનાઓ હેઠળ લાભાર્થીઓને ખેતી, લુહારી, બ્યુટી પાર્લર, દરજીકામ સહિત વિવિધ રોજગારીઓ માટેની કીટ વિતરણ કરવામાં આવી હતી. આ ઉપરાંત સરકારની વિવિધ યોજનાઓ હેઠળ ઉદ્યોગ સાહસિકોને પોતાની વ્યવસાયિકતાને બુસ્ટ મળે તે માટે ચેક વિતરણ કરવામાં આવ્યા હતા.