અમદાવાદઃ ગુજરાતમાં 1600 કિમીનો વિશાળ દરિયા કિનારો આવેલો છે. અને સૌરાષ્ટ્રના દરિયા કાંઠાથી સમુદ્રમાં દુર સુધી માછીમારો પોતાની બોટ લઈને માછીમારી કરવા માટે જતાં હોય છે. ત્યારે ઘણીવાર ભૂલથી આંતરરાષ્ટ્રીય બોર્ડર ક્રોસ કરી લેતા હોય છે. અને પાકિસ્તાન મરીન દ્વારા ભારતિય માછીમારોનું અપહરણ કરીને બોટ સાથે પાકિસ્તાન લઈ જવાતા હોય છે. હાલ 600 જેટલા માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદમાં હોવાનું કહેવાય છે. જેમાં તાજેતરમાં 200 માછીમારોને સજા પૂર્ણ થતાં મુક્ત કરવામાં આવ્યા છે. 200 માછીમારો મુકત થાય તે પૂર્વે એક માછીમારનું કરાંચી હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું.. જેથી વતનમાં રાહ જોઈ રહેલા માછીમારોના પરિવારમાં શોક છવાયો છે. બાકીના 199 માછીમારો તા.15ના સોમવારે વેરાવળ પહોંચી જશે.
સૂત્રોના જણાવ્યા મુજબ પાકિસ્તાને કેદમાં રાખેલા અંદાજે 653 ભારતીય માછીમારોમાંથી 199 માછીમારોને કેદ મુકત કરી રહ્યું છે તેનો કબ્જો લેવા માટે રાજયના ફિશરીઝ અધિકારીઓની ટીમ જરૂરી રેકર્ડ સાથે વાધા સરહદે જવા રવાના થઈ છે. કરાંચી જેલમાંથી 199 ભારતીય માછીમારોને અમૃતસર પાસે વાઘાબોર્ડર અટારી રેલવે સ્ટેશને લાવતા ત્યાં તેઓને ભારતીય સુરક્ષા એજન્સીઓ તપાસ, પુછપરછ અને વેરીફીકેશન કરશે. ત્યારબાદ અમૃતસરથી જ રાત્રીની ટ્રેનમાં માછીમારોને રવાના કરાશે. ટ્રેનમાં બરોડા પહોંચ્યા બાદ ખાસ બસોમાં 15મી મેના રોજ સાંજ સુધીમાં માછીમારો વેરાવળ ખાતે આવી પહોંચશે. વેરાવળ ખાતે ગીરસોમનાથ પોલીસ દ્વારા માછીમારોનું વેરીફીકેશન અને પુછપરછ બાદ ફિશરીઝ કચેરી દ્વારા માછીમારોને તેમના સગાવ્હાલાઓને જરૂરી નોંધ બાદ સોપણી કરાશે. માછીમારોને અમૃતસરથી વેરાવળ સુધી પોલીસ બંદોબસ્ત તળે લાવવામાં આવશે. જેમાં એક ભારતીય સિવિલીયન કેદીનો પણ પાકિસ્તાની જેલમાંથી મુકત થયાનો સમાવેશ થાય છે. (file photo)