
ભાવનગરઃ અમરેલી અને ભાવનગર જિલ્લામાં સિંહ, દીપડાં સહિત વન્ય પ્રાણીઓનો વસવાટ વધતો જાય છે. વન્ય પ્રાણીઓના રક્ષણ માટે વન વિભાગના કર્મચારીઓ ભારે જહેમત ઉઠાવતા હોય છે. જેમાં સિંહોનું સતત લોકેશન મેળવીને તેની દેખભાળ કરાતી હોય છે. બન્ને જિલ્લાના નવ તાલુકામાં દરિયાઈ કાંઠા, શેત્રુંજી નદી કાંઠાના વિસ્તાર અને ઘાસિયા મેદાનમાં એક વર્ષમાં 205 વન્ય પ્રાણીઓના રેસ્ક્યુ કરી બચાવાયા હતા.
વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ વન્ય પ્રાણીઓની જ્યાં અવરજવર હોય અને વસવાટ કરતા હોય ત્યાં અનેકવાર પ્રાણીઓ કૂવામાં પડી ગયા હોય, એકબીજા વચ્ચે ઘર્ષણ થયું હોય કે અન્ય જગ્યાઓ પર ફસાયા હોય ત્યારે વન્યજીવ વિભાગ દ્વારા સ્થળ પર જઈ વન્ય પ્રાણીનું રેસ્ક્યુ કરવામાં આવે છે. અને જો પ્રાણીઓને ઈજા પહોંચી હોય તો તેની સારવાર પણ કરવામાં આવે છે. ભાવનગર અને અમરેલીના 9 તાલુકામાંથી વર્ષ 2022-23 દરમિયાન કુલ 205 વન્ય પ્રાણીઓના રેસ્ક્યુ કરાયા છે અને 97 પ્રાણીઓની સારવાર કરવામાં આવી છે. ખુલ્લા કૂવામાં ઘણીવાર પ્રાણીઓ પડી જતા નુકસાન થતું હોય છે. જેને કારણે 673 કુવા ફરતે એક મીટર ઊંચુ બાંધકામ કરી સુરક્ષિત કરાયા છે. તેમજ વન્ય પ્રાણીઓથી રક્ષણ માટે ખેડૂતો અને ગ્રામજનો માટે 958 માચડા ઊભા કરવામાં આવ્યા છે. શેત્રુંજી વન્યજીવ વિભાગ પાલીતાણા હેઠળ ભાવનગર અને અમરેલી બે જિલ્લાઓના સાત તાલુકાના રેવન્યુ વિસ્તાર કે જ્યાં વન્ય જીવો વસવાટ કરતા હોય તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં 130 થી 140 સિંહોનો વસવાટ મહેસુલી વિસ્તારોમાં છે. અને વર્ષ દરમિયાન 43 સિંહોને રેસ્ક્યુ કરી બચાવાયા હતા જેમાં ખાસ કરીને શેત્રુજી નદી કાઠાના વિસ્તારો, રાજુલા – જાફરાબાદના દરિયાકાંઠાના વિસ્તારો અને પાલીતાણા, મહુવા, જેસરના ઘાસિયા મેદાનોમાં અવર જવર અને વસાવાટ થયેલો છે. વર્ષ 2022-23 દરમિયાન 24 સિંહ, 43 દીપડા અને 30 અન્ય વન્ય પ્રાણી સહિત કુલ 97 પ્રાણીની સારવાર કરાઈ છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, વન્ય પ્રાણીઓને જુદી જુદી પરિસ્થિતિઓમાં રેસ્ક્યુ કરવામાં આવતું હોય છે. કૂવામાંથી બચાવ્યા હોય કે ફાઈટ કરતા પ્રાણીઓને રેસ્ક્યુ કર્યું હોય ત્યારે પ્રાણીઓને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવે છે. અને જરૂર હોય ત્યારે સારવાર અપાય છે. ભાવનગર-અમરેલીના 9 તાલુકામાં 205 વન્ય પ્રાણીઓના કરાયેલા રેસ્ક્યુમાં સૌથી વધુ 64 દીપડાના કરાયા છે. 43 સિંહ, 15 મોર, 45 અજગર, 9 ગીધ, 2 ઘુવડ, 23 નીલગાય, અન્ય 4 પ્રાણીઓના રેસક્યુ કરાયા છે.