
નવી દિલ્હીઃ પાકિસ્તાનની વચગાળાની સરકારે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને અન્ય 28 લોકોના નામ ‘એક્ઝીટ કંટ્રોલ લિસ્ટ‘ (ECL)માં મૂકવાની ભલામણ કરી હતી જેથી તેઓને દેશ છોડીને ભાગી ન જાય. ભ્રષ્ટાચારના કેસમાં તેમની કથિત સંડોવણીને ટાંકીને સરકારે આ ભલામણ કરી છે. એક અહેવાલ અનુસાર, ફેડરલ કેબિનેટની એક સબ-કમિટીએ અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં પીટીઆઈ પાર્ટીના વડા ઈમરાન ખાન અને અન્ય 28 લોકોના નામ ECLમાં મૂકવાની ભલામણ કરી છે.
કેસમાં આરોપ છે કે, પૂર્વ વડાપ્રધાન ઈમરાન અને તેમની પત્ની બુશરા બીબીએ ખાનની આગેવાની હેઠળની સરકાર દરમિયાન બ્રિટન દ્વારા ઓળખવામાં આવેલા પચાસ અબજ રૂપિયાની લોન્ડરિંગ કરવા માટે બહરિયા ટાઉન લિમિટેડ પાસેથી અબજો રૂપિયા અને સેંકડો કનાલ જમીન હસ્તગત કરી હતી. ઈમરાનની આ વર્ષની શરૂઆતમાં ઈસ્લામાબાદ હાઈકોર્ટના પરિસરમાંથી આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. જો કે, સુપ્રીમ કોર્ટે તેમની ધરપકડને ગેરકાયદેસર જાહેર કરી હતી, જે બાદ તેમને મુક્ત કરવામાં આવ્યા હતા.
પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) પાર્ટીના વડા ઈમરાન ખાન હાલમાં ગોપનીય રાજદ્વારી કેબલ (સાયફર) લીક કરવાના કેસમાં અદિયાલા જેલમાં બંધ છે. અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં 14 નવેમ્બરના રોજ નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરો (NAB) દ્વારા તેમની ફરી ધરપકડ કરવામાં આવી હતી. દેશના ગૃહ મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ફેડરલ કેબિનેટની સબ-કમિટીની બેઠકમાં વચગાળાના ગૃહ પ્રધાન સરફરાઝ બુગતી અને અન્ય વિભાગોના અધિકારીઓએ ભાગ લીધો હતો.
સમિતિએ વિવિધ વિભાગો અને સંસ્થાઓ દ્વારા મોકલવામાં આવેલા 41 લોકોના નામ ECLમાં મૂકવાની ભલામણ કરી છે. NABની ભલામણ પર ઈમરાન ખાન સહિત 29 લોકોના નામ ECLમાં સામેલ કરવાની ભલામણ કરવામાં આવી છે. આ સિવાય મંત્રાલયે કહ્યું કે, ECLમાંથી 13 કેસ દૂર કરવાની પણ ભલામણ કરવામાં આવી છે. કોર્ટે સાત નામો ECLમાંથી હટાવવાની માંગ કરી છે. તેણે વધુમાં કહ્યું કે ભલામણોને મંજૂરી માટે ફેડરલ કેબિનેટને મોકલવામાં આવી છે.