
રાજકોટઃ એસટી બસમાં ટિકિટ લીધા વિના મુલાફરી કરનારા મુસાફરો સામે ચેકિંગ ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં રાજકોટ ડિવિઝનની જુદા જુદા રૂટ્સ પર દોડતી એસટી બસોમાં ટિકિટ લીધા વિના 29 મુસાફરોને પકડીને તેમની પાસેથી દંડ વસુલવામાં આવ્યો હતો.
ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમને સૌરાષ્ટ્ર્રમાં સૌથી વધુ કમાણી કરી આપતા કમાઉ દિકરા સમાન રાજકોટ એસ.ટી.ડિવિઝનની લાઇન ચેકિંગ સ્કવોડ દ્વારા તાજેતરમાં વિભાગીય નિયામકના આદેશથી વિવિધ રૂટસની એસટી બસોમાં સરપ્રાઇઝ ચેકિંગ કરતા ટિકિટ લીધા વિના જ મુસાફરીની મોજ માણતા 29 મુસાફરો ઝડપાયા હતા જે તમામ પાસેથી દંડની વસુલાત કરાઇ હતી.આ ઉપરાંત વિવિધ પ્રકારની ગેરશિસ્ત અને અનિયમિતતાના 96 કેસ કરાયા હતા.
રાજકોટ એસ.ટી.ડિવિઝન કચેરીના સુત્રોના જણાવ્યા મુજબ ડિવિઝનની વિવિધ રૂટ્સની બસોમાં સરપ્રાઇઝ ચેકિંગ કરાયું હતું. જેમાં કુલ 29 મુસાફરો ટિકિટ વિના મુસાફરી કરતા ઝડપાયા હતા. જે તમામ પાસેથી નિયમાનુસારના દંડની વસુલાત કરવામાં આવી હતી. જયારે ત્રણ બસના કંડકટરોએ મુસાફર પાસેથી પૈસા લઇને ટિકિટ નહીં આપી હોવાનું માલુમ પડતા ત્રણેયને સસ્પેન્ડ કરવા કાર્યવાહી હાથ ધરાઇ છે. આ ઉપરાંત હાઇવે પરની હોટેલોમાં ગેરકાનુની હોલ્ટ, બસમાં આગળ–પાછળ રૂટ્સના બોર્ડ ન હોવા અને ડ્રાઇવર–કંડકટરએ યુનિફોર્મ પહેર્યેા ન હોય, બસ નિયત સમય કરતાં વહેલા–મોડી હોય, બસમાં અસ્વચ્છતા હોય તે સહિતની વિવિધ પ્રકારની અનિયમિતતાઓ, ગેરશિસ્ત અને ગેરરીતિ સહિતના કુલ 96 કેસ કરવામાં આવ્યા હતા.
સૂત્રોએ ઉમેર્યું હતું રાજકોટ ડિવિઝનની કેટલાક રૂટ્સની એસટી બસોમાં પુરતા પેસેન્જરો જોવા મળતા હોવા છતાં આવક ઓછી થાય છે. આવા રૂટ્સ તારવીને ચેકિંગ સ્વોર્ડને તપાસ કરવાની સુચના આપવામાં આવી છે. એટલે હજુ પણ એસટી બસોમાં સમયાંતરે ચેકિંગ કરવામાં આવશે.