
ગાંધીનગર અને વડોદરાના શહેરી વિસ્તારના વિકાસના કામો માટે CMએ 291.22 કરોડ મંજુર કર્યા
ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો-મહાનગરોમાં નાગરિક સુવિધા સુખાકારી કામોની વૃદ્ધિ માટેની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાને વધુ વેગવંતી બનાવવાનો અભિગમ અપનાવ્યો છે
મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં રાજ્યની બે મહાનગરપાલિકા વડોદરા અને ગાંધીનગરમાં જન સુવિધા વિકાસના વિવિધ કામો માટે રૂ.291.22 કરોડ મંજૂર કર્યા છે.
ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા મુખ્યમંત્રી સમક્ષ રજુ કરવામાં આવેલી દરખાસ્ત અન્વયે વડોદરા મહાનગરપાલિકાને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી 2022-23 ના વર્ષ માટે આંતરમાળખાકીય વિકાસના 227 કામો માટે રૂ. 284.22 કરોડ રૂપિયાના કામોને તેમણે સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા મહાનગરપાલિકાને ભૌતિક આંતરમાળખાકીય વિકાસના પાણી પુરવઠા, ડ્રેનેજ, વરસાદી ગટર યોજના, સ્ટ્રીટ લાઇટ, બિલ્ડીંગ પ્રોજેક્ટ વગેરે મળીને 112 કામો માટે રૂ. 208.33 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. તેમણે સામાજિક આંતરમાળખાકીય વિકાસના કામો માટે ઝોન કક્ષાના પાણી, ગટર, રસ્તા વગેરેના પણ 112 કામો માટે રૂ. 17.34 કરોડ મંજૂર કર્યા છે. એટલું જ નહિ, વડોદરા મહાનગરમાં અર્બન મોબિલીટી પ્રોજેક્ટ અન્વયે 3 બ્રિજના કામો માટે રૂ. 58.55 કરોડની ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગર મહાનગરપાલિકાને પણ મુખ્યમંત્રી શહેરી સડક યોજના અન્વયે 2022-23 ના વર્ષ માટે 7 કરોડ રૂપિયા મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજનામાંથી ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આ રૂ. 7 કરોડની રકમ ગાંધીનગર મહાનગરમાં સમાવિષ્ટ ખોરજ, ઝૂંડાલ, અમીયાપૂર, સુઘડ, કોટેશ્વર અને ભાટ ગામની ટી.પી માં બે નવા આસ્ફાલ્ટ રોડના કામો માટે ઉપયોગમાં લેવાશે.
આ બે મહાનગરોમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે વિકાસ કામો માટેની દરખાસ્ત સંબંધિત મહાનગરપાલિકાઓ દ્વારા ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ મારફત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજુ કરવામાં આવી હતી તેને તેમણે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.