1. Home
  2. ગુજરાતી
  3. મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે 3.75 લાખ ભારતીયો સુરક્ષિત ઘરે પરત ફર્યાઃ નરેન્દ્ર મોદી
મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે 3.75 લાખ ભારતીયો સુરક્ષિત ઘરે પરત ફર્યાઃ નરેન્દ્ર મોદી

મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે 3.75 લાખ ભારતીયો સુરક્ષિત ઘરે પરત ફર્યાઃ નરેન્દ્ર મોદી

0
Social Share

નવી દિલ્હી, 23 માર્ચ 2026: પશ્ચિમ એશિયા (મિડલ ઇસ્ટ) માં છેલ્લા 24 દિવસથી ચાલી રહેલા ભીષણ સંઘર્ષ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે લોકસભાને સંબોધિત કરી હતી. પીએમ મોદીનું આ સંબોધન અત્યંત મહત્વનું માનવામાં આવે છે કારણ કે હોર્મુઝ સ્ટ્રેટ સહિતના દરિયાઈ માર્ગો પર તણાવ વધતા ભારતીય હિતો પર જોખમ તોળાઈ રહ્યું છે. વડાપ્રધાને પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, “હું આજે પશ્ચિમ એશિયાના સંઘર્ષ અને તેની ભારત પર થનારી અસરો વિશે વાત કરવા આવ્યો છું. ત્યાંની સ્થિતિ અત્યંત ચિંતાજનક છે. ખાડી દેશોમાં આશરે 1 કરોડ ભારતીયો કામ કરે છે અને દરિયાઈ માર્ગો પર ભારતીય ક્રૂ મેમ્બર્સની સંખ્યા પણ મોટી છે. આ જ કારણ છે કે આપણી ચિંતા વધારે છે. આ કટોકટીના સમયે ભારતની સંસદમાંથી વિશ્વમાં એકજૂથ અને એકમત અવાજ જવો જોઈએ.”

પીએમ મોદીએ માહિતી આપી હતી કે આ યુદ્ધના સંકટ વચ્ચે અત્યાર સુધીમાં 3.75 લાખ ભારતીય નાગરિકો સુરક્ષિત રીતે સ્વદેશ પરત ફરી ચૂક્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, મેં પોતે અસરગ્રસ્ત દેશોના વડાઓ સાથે બે વાર ફોન પર વાત કરી છે અને તેમણે ભારતીયોની સુરક્ષાનું સંપૂર્ણ આશ્વાસન આપ્યું છે. વિદેશ મંત્રાલય અને આપણા મિશનો સતત ત્યાં રહેલા ભારતીયોના સંપર્કમાં છે. ઘાયલોની સારવાર અને પરિવારોને મદદ પહોંચાડવાનું કામ યુદ્ધના ધોરણે ચાલુ છે. PM મોદીએ એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી જેમાં પેટ્રોલિયમ, ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસ જેવા ક્ષેત્રોની સમીક્ષા કરવામાં આવી હતી. આશરે સાડા ત્રણ કલાક ચાલેલી આ બેઠકમાં પીએમે સ્પષ્ટ સૂચના આપી છે કે દેશમાં યુદ્ધની આડમાં જમાખોરી કે કાળાબજાર જરાય ચલાવી લેવામાં આવશે નહીં. સપ્લાય અને ડિસ્ટ્રિબ્યુશન વ્યવસ્થા મજબૂત રાખવા મંત્રીઓને આદેશ અપાયા છે.

28 ફેબ્રુઆરીથી અમેરિકા-ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે શરૂ થયેલા યુદ્ધ બાદ વિપક્ષ સતત તેલ અને ગેસની અછતનો દાવો કરી રહ્યો છે. પીએમ મોદીએ આજે ગૃહમાં આશ્વાસન આપ્યું હતું કે દેશમાં તમામ જરૂરી વસ્તુઓનો પૂરતો જથ્થો છે અને સરકારે દરેક પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયારી કરી લીધી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code