
- ઈડર હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માતમાં બેનાં મોત,
- ઊંઝા નજીક મક્તુપુર હાઈવે પર હીટ એન્ડ રન, એકનું મોત,
- શામળાજી નજીક ખોડંબા પાસે બાઈક અકસ્માતમાં યુવાનનું મોત
અમદાવાદઃ ઉત્તર ગુજરાતમાં અકસ્માતના જુદા જુદા ત્રણ બનાવોમાં ચારના મોત નિપજ્યા હતા જેમાં સાબરકાંઠાના ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈકસવાર બે લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે બીજા અકસ્માતના બનાવમાં શામળાજી નજીક ખોડંબા પાસે ટ્રકે બાઈક સવારને અડફેટે લેતા યુવકનું મોત થયુ હતું. ત્રીજા અકસ્માતના બનાવમાં ઊંઝા નજીક મક્તૂપુર હાઇવે પર દત્ત સરોવર પાસે વાહનની રાહ જોઈ ઉભેલા ઇસમને પૂરઝડપે આવી રહેલા અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું.
ઉત્તર ગુજરાતમાં અકસ્માતોના જુદા જુદા ત્રણ બનાવો બન્યા હતા. જેમાં પ્રથમ અકસ્માતના બનાવમાં સાબરકાંઠાના ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે યુવાનોના મોત નિપજ્યા હતા. ટ્રક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.
બીજો અકસ્માતનો બનાવ શામળાજી નજીક ખોડંબા પાસે હાઈવે પર સર્જાયો હતો. પૂરફાટ ઝડપે ટ્રકે બાઈક સવારને અડફેટે લેતા યુવકનું મોત થયુ હતુ. બાઈક પર સવાર ત્રણ યુવકને ટક્કર મારી ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. રોડ પરના બેરીકેટને ટક્કર મારીને ટ્રક સાથે ચાલક નાલી ગયો હતો. આ બનાવમાં પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે ઈજાગ્રસ્ત બાઈક સવાર બન્ને યુવકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ત્રીજો અકસ્માતનો બનાવ ઊંઝા નજીક મક્તૂપુર હાઇવે પર સર્જાયો હતો જેમાં દત્ત સરોવર પાસે વાહનની રાહ જોઈ ઉભેલ ઇસમને પૂરઝડપે આવી રહેલ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું. આ બનાવ સંદર્ભે ઊંઝા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહન ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. પોલીસ સૂત્રોના કહેવા મુજબ ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા ગામે અગાશિયા પરામાં રહેતા વિપુલ બાબુભાઈ પટેલ સવારના સમયે મક્તૂપુર દત સરોવર પાસે વાહનની રાહ જોઈ ઊભા હતા. તે દરમિયાન પુરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલ અજાણ્યા ફોર વ્હીલ ચાલકે ટક્કર મારતાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી 108 મોબાઇલ વાન મારફતે ઊંઝા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતા. જ્યાંથી વધું સારવાર અર્થે મહેસાણા ખાનગી હોસ્પીટલ ખસેડવામા આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મોત નિપજયું હતું.