
- રિક્ષાચાલક સહિત બે શખસોની ગોડાદરા પોલીસે કરી ધરપકડ,
- વેપારી ચોરીનો માલ ખરીદતા હોવાની ધમકી આપી રૂપિયાની માગણી કરી હતી,
- આરોપીઓએ પોલીસમાં ડી સ્ટાફમાં હોવાની ખોટી ઓળખ આપી હતી
સુરતઃ ગુજરાતમાં નકલીની બોલબાલા હોય તેમ નકલી અધિકારીઓ અને નકલી પોલીસ, નકલી સરકારી કચેરી અને નકલી ટોલનાકા પકડાયા છે. ત્યારે સુરત શહેરમાં કાપડના એક વેપારીને પોતાની ઓળખ પોલીસકર્મી તરીકે આપીને રૂપિયાની માગણી કરનારા રિક્ષાચાલક અને એક વેપારીની ગોડાદરા પોલીસે ધરપકડ કરી છે. આરોપી નકલી પોલીસે પોતાના પરિચિત રિક્ષાચાલક સાથે મળીને વેપારીને પોતે પોલીસના ડી સ્ટાફમાં હોવાની ઓળખ આપીને તમે ચોરીનો માલ ખરીદો છો એમ કહીને રૂપિયાની માગણી કરી હતી. પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરી છે.
આ બનાવની વિગતો એવી છે કે નીરજ કુમાર મહાવીર શર્મા સુરત શહેરના પુણાગામ ખાતે આવેલા સાઈ ટેક્સટાઇલ નામની કપડાની દુકાનમાં વેપાર કરે છે, તેને અતુલસિંગ સેગર નામના વેપારી પાસેથી 10 દિવસ પહેલા 400 મીટર જેટલું સેકન્ડ હેન્ડ લોટ શોટ કાપડ ખરીદી 7000 રૂપિયા આપ્યા હતા. ત્યારબાદ ફરિયાદીએ બીજું કાપડ ખરીદવા માટે વાતચીત પણ કરી હતી. જેથી તારીખ 13 નવેમ્બરના રોજ અતુલસિંહને ફોન કરી જણાવ્યું હતું કે, તેની પાસે કાપડ આવી ગયું છે. આ કાપડ રવિવારે લઈ જવા માટે પણ જણાવ્યું હતું. વેપારીએ સાડા ત્રણ હજાર રૂપિયાના કાપડનો ઓર્ડર આપ્યો હતો. જ્યારે તેણે ફરીથી અતુલસિંહને કાપડ માટે ફોન કર્યો ત્યારે અતુલસિંહની જગ્યાએ કોઈ અન્ય વ્યક્તિએ ફોન ઉચકીને વાતચીત કરી હતી. ફોન પર કોઈ અજાણ્યા શખસે જણાવ્યું હતું કે, હું પોલીસ કર્મચારી સુશીલ લાલજી તિવારી બોલું છું. લિંબાયત પોલીસ મથકના ડી સ્ટાફમાં નોકરી કરું છું. તે અગાઉ ચોરીનો માલ ખરીદ્યો છે જેથી તું લિંબાયત પોલીસ ચોકી આવી જા નહીંતર તને હું જેલમાં પૂરી દઈશ.
ફરિયાદીએ જણાવ્યું હતું કે, આ કહી ફોન પર અજાણ્યા શખસે અપશબ્દો પણ કહ્યા હતા. તે સમયે ફરિયાદી વેપારી પલસાણા હતો. સાંજે આવીને તે ફરીથી અતુલસિંહના મોબાઈલ પર ફોન કરતા અતુલસિંહે તેને જણાવ્યું હતું કે, હું ડી સ્ટાફ પોલીસ કર્મચારી સાથે આવું છું. તમે વૃંદાવન સોસાયટીના ગેટ પાસે આવેલી કંપની બહાર મળો. વેપારી જ્યારે અતુલસિંગને મળવા માટે ત્યાં પહોંચ્યો ત્યારે અતુલસિંહ અન્ય એક વ્યક્તિ સાથે ઉભો હતો અને તેને જણાવ્યું હતું કે, આ વ્યક્તિ લિંબાયત પોલીસ સ્ટેશનના ડી સ્ટાફમાં નોકરી કરે છે. પોતાની ઓળખ પોલીસકર્મી તરીકે જણાવનારા સુશીલે વેપારીને કહ્યું હતું કે, જો તને જેલ ન જવું હોય તો 10 હજાર રૂપિયા આપવું પડશે. આ સમયે ફરિયાદી પાસે માત્ર 1000 રૂપિયા જ હતા. આ અંગે તેણે આરોપીઓને જણાવ્યું હતું. જેથી આરોપીઓએ તેને છેલ્લે 6000 રૂપિયા આપવા માટે કહ્યું હતું. 5000 રૂપિયા લેવા માટે વેપારી પોતાના ઘરે ગયો હતો. પરંતુ વેપારીને શંકા ગઈ હતી કે, જે વ્યક્તિ પોતાની ઓળખ પોલીસ કર્મી તરીકે આપી રહ્યો છે તે પોલીસકર્મી નથી. જેથી તે અંગે ફરિયાદ કરવા માટે તે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.
વેપારીએ જ્યારે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી ત્યારે પોલીસે તેની તપાસ શરૂ કરી અને આખરે તપાસમાં જાણવા મળ્યું હતું કે, વેપારી પાસે તોડ કરવા માટે આવેલા વ્યક્તિ રિક્ષાચાલક છે. જેણે પોતાને પોલીસ તરીકે ઓળખ આપી હતી. આરોપી વેપારી અતુલસિંહ સાથે રિક્ષાચાલક સુશીલ તિવારીની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. હાલ તપાસમાં જાણવા મળ્યું છે કે, આરોપી અતુલસિંગને લાગતું હતું કે, વેપારી નીરજને ચોરીના માલના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી તેના પાસેથી ટુકડે ટુકડે પૈસાનો તોડ કરવાનો હતો, આ માટે તેણે પોતાના પરિચિત રિક્ષાચાલકની મદદ લીધી હતી