
અમદાવાદના ચંડોળા તળાવના રિડેવલપમેન્ટ માટે ખોદાયેલા ખાડાંમાં ડુબી જતાં 3 બાળકોના મોત
અમદાવાદઃ શહેરના દાણીલીમડા વિસ્તારમાં આવેલા ચંડોળા તળાવના રિડેવલોપમેન્ટનું કામ ચાલી રહ્યું છે.અને તેના માટે ખોદાયેલા ખાડામાં ભરાયેલા વરસાદી પાણીમાં રમતાં રમતાં 10થી 12 વર્ષની ઉંમરનાં ત્રણ બાળકો પડી ગયાં હતાં. ડૂબી જતાં ત્રણેય બાળકોનાં મોત નીપજ્યા આ વિસ્તારમાં ભારે ગમગીની પ્રસરી ગઈ હતી.
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરના ચંડોળા તળાવનું રિ-ડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે. અને તળાવને ઊંડું કરવા માટે ખાડાં ખોદવામાં આવ્યા છે. દરમિયાન તાજેતરમાં વરસાદને લીધે ખાડાંઓમાં પાણી ભરાયા હતા.જેમાં આ વિસ્તારમાં રહેતા બે પરિવારના ત્રણ બાળકો રમતા રમતા ખાડાંમાં પડ્યા હતા.અને ત્રણેય બાળકો ડુબી ગયા હતા. ત્રણેય બાળકો સોમવારે બપોર બાદ ગાયબ હતાં. પરિવારજનો અને સ્થાનિક લોકો દ્વારા શોધખોળ કરવામાં આવી હતી. દરમિયાન પાણી ભરેલા ખાડાંમાં તપાસ કરતા ત્રણેય બાળકો ડૂબેલા જોવા મળતાં ત્રણેયને બહાર કાઢી એલજી હોસ્પિટલ લઈ જવાયા હતા. જો કે, ડોક્ટરોએ ત્રણેયને મૃત જાહેર કર્યા હતા. ત્રણમાંથી બે તો તેના પરિવારના એકના એક દીકરા હતા. મૃતદેહો એસવીપી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યા છે.
સૂત્રોના કહેવા મુજબ શહેરના ચંડોળા તળાવની રિડેવલોપમેન્ટની કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે. રિડેવોલોપમેન્ટના કામના પગલે હાલમાં તળાવ આખું ખાલી કરી દેવામાં આવ્યું છે. તળાવને ઊંડું કરવા ખોદવામાં આવ્યું છે. જો કે, વરસાદ પડ્યો હોવાના કારણે પાણી ભરાઈ ગયાં હતાં. ચંડોળા તળાવની બાજુમાં આવેલા દેવીપૂજકવાસમાં રહેતા મેહુલ દેવીપૂજક, આનંદ દંતાણી અને જિજ્ઞેશ દંતાણી એમ ત્રણ બાળકો તળાવમાં સોમવારે બપોરે રમવા માટે ગયાં હતાં. જો કે, મોડી સાંજ સુધી ત્રણેય બાળકો ઘરે પરત ફર્યા નહોતાં. બે સગા ભાઈના એકના એક દીકરા સહિત ત્રણ બાળકો ગુમ થતા દેવીપૂજક વાસના સ્થાનિકો અને પરિવારજનોએ તળાવમાં શોધખોળ શરૂ કરી હતી. આખું ચંડોળા તળાવ ફરી વળ્યા હતા. જો કે, બાળકો મળ્યાં નહોતાં. પરંતુ તળાવમાં રિ-ડેવોલોપમેન્ટની કામગીરી ચાલી રહી છે તેના કારણે ખોદવામાં આવેલા ત્રણથી ચાર જેટલા ખાડામાં તપાસ શરૂ કરવામાં આવી હતી. 8થી 10 ફૂટ ઊંડા એક ખાડામાં જ્યારે તપાસ કરી તો ત્રણેય બાળકો અંદર ડૂબેલી હાલતમાં મળી આવ્યાં હતાં. સ્થાનિક બંગાળી લોકોએ ત્રણેય બાળકોને બહાર કાઢ્યા હતા. ત્રણેયને એલજી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યાં હતાં. જો કે, બાળકોનાં પહેલાંથી જ મૃત્યુ થઈ ગયાં હોવાથી હોસ્પિટલના ડોક્ટરોએ તેઓને મૃત જ જાહેર કર્યા હતા. (File photo)