
રાજકોટ હાઈવે પર મેંગો માર્કેટ પાસે ટ્રકે બાઈકને અડફેટે લેતા પતિ-પત્નીનું મોત
રાજકોટઃ અમદાવાદ-રાજકોટ હાઈવે પર રાજકોટના મેંગો માર્કેટ પાસે પૂરફાટ ઝડપે ટ્રકે બાઈકને અડફેટે લેતા બાઈકસવાર પતિ-પત્નીના મોત કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. શહેરના કુવાડવા રોડ પોલીસ ચોકીની સામે જ આ ઘટના બનતા પોલીસ દોડી ગઈ હતી અને મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, અમદાવાદ રાજકોટ હાઈવે પર મેંગો માર્કેટ નજીક કૂવાડવા રોડ પોલીસ ચોકી સામે બાઈક પર બપોરના સમયે લાલજીભાઈ ભગવાનજીભાઈ રૈયાણી અને તેમના પત્ની ભાવનાબેન પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પૂર ઝડપે આવેલા એક ટ્રક ચાલકે બાઇકને અડફેટે લેતા બાઈક સવાર લાલજીભાઈ રૈયાણી અને તેમના પત્ની ભાવનાબેન લાલજીભાઈ રૈયાણી રોડ ઉપર પટકાયા હતા અને ગંભીર ઇજાને પગલે ઘટનાસ્થળે જ બંનેનું મોત નિપજ્યું હતું.
આ બનાવ અંગે જાગૃત નાગરિકે જાણ કરતા 108ની ટીમ દોડી ગઈ હતી. જોકે, ઈએમટી ડોક્ટરે એમ્બ્યુલન્સ સાથે આવી દંપતીને તપાસતા સ્થળ પર જ બંનેને મૃત ઘોષિત કર્યા હતા. આ બનાવના પગલે પીસીઆર વાન સાથે પોલીસ કાફલો પણ દોડી ગયો હતો. કુવાડવા રોડ પોલીસની ટીમે સ્થળ પર જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહોને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડી દંપતીનાં પરિવારને જાણ કરવા તજવીજ હાથ ધરી હતી. પોલીસે ટ્રકચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. દરમિયાન કૂવાડવાના સ્થાનિક લોકોના કહેવા મુજબ હાઈવે 24 કલાક ટ્રાફિકથી ધમધમતો રહે છે. અને ભારે વાહનો પણ પૂરફાટ ઝડપે દોડતા હોવાથી અકસ્માતોના બનાવો વધી રહ્યો છે.