છત્તીસગઢના સુકમામાંથી 3 નક્સલવાદી ઝડપાયા, જિલેટીન અને ડિટોનેટર જપ્ત કરાયાં
નવી દિલ્હીઃ છત્તીસગઢના સુકમા જિલ્લાના ચિંતાગુફા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુંડરાજ ટેકરી પાસે એક લાખ રૂપિયાનું ઈનામ ધરાવતા નક્સલવાદી મડકામ કોસા, મડકામ દેવા અને માડવી જોગાની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી 8-10 મીટર કાર્ડેક્સ વાયર, ત્રણ જિલેટીન સળિયા, આઠ ઇલેક્ટ્રિક ડિટોનેટર, બ્લેક યુનિફોર્મ અને અન્ય સામગ્રી મળી આવી છે.
ચિંતાગુફા પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારી અશોક યાદવે જણાવ્યું કે તોડામરકા કેમ્પના નક્સલવાદીઓની માહિતી મળી હતી. આ માહિતીના આધારે, ડીઆરજી કોન્ટા, ગ્રેહાઉન્ડ્સ, સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ) મિંપા, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) અને કોબ્રાની સંયુક્ત પાર્ટી ગુંડરાજ ટેકરી અને આસપાસના જંગલ જવા રવાના થઈ હતી. ગુંડરાજ ટેકરી પાસે કેટલાક શંકાસ્પદ શખ્સોએ પોલીસને આવતા જોઈને ભાગવાનો અને સંતાવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, પોલીસે નાકાબંધી કરીને તેમને ઝડપી લેવામાં આવ્યાં હતા.
ચિંતાગુફા પોલીસે ત્રણેય નક્સલવાદીને કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાંથી તેઓને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. આ નક્સલવાદીઓ પર 14 માર્ચ, 2022ના રોજ સુરક્ષા દળોને નુકસાન પહોંચાડવાના ઈરાદાથી કારીગુંડમ રોડ પર, રસાવાંગ નાળા પાસે IED લગાવવાનો આરોપ છે. બે માઓવાદીઓ, સોડી સુલા અને કદમ ગંગા, સીઆરપીએફ સેકન્ડ કમાન્ડ ઓફિસર અનામી શરણ અને ડીએસપી સંજય સિંહ સમક્ષ હથિયાર વિના આત્મસમર્પણ કર્યું હતું.
(Photo-File)