
સુરતઃ શહેરમાં જાહેર રસ્તાઓ પર નાના બાળકો દ્વારા ભીખ મંગાવવામાં આવતી હોય છે. બાળકોની રમવાની અને શાળાએ જવાની ઉંમરે બાળકો પાસે ભીખ મંગાવવામાં આવતી હોય છે. બાળકો જાહેર રસ્તાઓના સિગ્નલો પર ઊભેલી કારના કાચની સફાઈ કરીને ભીખ માગતા નજરે પડતા હોય છે. આથી શહેર ક્રાઇમ બ્રાન્ચ, મહિલા સેલ, AHTU, IUCAW અને વિવિધ પોલીસ મથકોની શી ટિમો તથા સર્વેલેન્સ સ્ટાફ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં સવારથી સાંજ સુધી ઓપરેશન હાથ ધરી બાળકોનું રેસ્ક્યૂ કર્યું હતું. ભીખ માગતા અને સફાઈના નામે પૈસા ઉઘરાવતા 38 બાળકોનું રેસ્ક્યૂ કર્યું હતું. જેમાં ગુજરાતના 23, બિહારના 10 અને મહારાષ્ટ્રના 5 બાળકો છે. આ તમામ બાળકોને ચાઈલ્ડ શેલ્ટર હોમમાં રાખવામાં આવ્યા છે. અહીં બાળકોને રહેવા-જમવા સહિતની તમામ સુવિધાઓ આપવામાં આવી રહી છે. 38 બાળકોમાંથી 4 બાળકો અનાથ છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સુરત શહેર પોલીસની જુદી જુદી બ્રાન્ચ તથા સ્થાનિક પોલીસની કુલ 30 ટીમો બનાવી શહેરમાં ભીખ માગતા બાળકોને શોધવાનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સાંજ સુધીમાં આવા 38 બાળકો મળી આવ્યા હતા કે જેઓ ભીખ માગતા હોય અથવા તો કચરો વીણી કે સફાઈ કરી રૂપિયાની માગણી કરતા હોય એવા 38 બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ હતુ. 38 બાળકોમાં 0થી 6 વર્ષના 7 અને 0થી 12 વર્ષની વયના 31 બાળકો છે. આ તમામ 38 બાળકો ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યો સાથે સંબંધ ધરાવે છે. જેમાં ગુજરાતના 23, બિહારના 10 અને મહારાષ્ટ્રના 5 બાળકો છે.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ રેસ્ક્યૂ કરાયેલા 38 બાળકોમાં માતા-પિતા સાથે કુલ 33 બાળકો હતા. જ્યારે 4 બાળક અનાથ અને 1 બાળક અન્ય વ્યક્તિ સાથે મળી આવ્યું હતું. છેલ્લા એક મહિનાથી આવા બાળકો પર નજર રાખવામાં આવી રહી હતી. જેમાં 113 બાળકો ભીખ માગવાની અથવા કચરો વીણી કે સફાઈ કામ કરી રૂપિયા ઉઘરાવતા હોય તેવી ઓળખ થઈ છે. અન્ય બાળકોને રેસ્ક્યૂ તથા પુનઃવસનની કામગીરી આગામી સમય સુધી ચાલુ રહેશે. સુરત પોલીસ દ્વારા જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અને કાયદાકીય જોગવાઈઓ મુજબ કામગીરી કરી CWC (ચાઇલ્ડ વેલ્ફેર કમિટી)ને બાળકોનો કબ્જો સોંપવાની કામગીરી કરવામાં આવી છે.