રાજકોટઃ અમદાવાદમાં લાંબા અંતરની વધુ સમય હોલ્ટ કરતા ટ્રેનોને રાજકોટ સુધી લંબાવવાની ભૂતકાળમાં અનેકવાર રજુઆતો કરવામાં આવી હતી.તત્કાલિન રેલવે મંત્રીએ રાજકોટની મુલાકાત ટાણે અમદાવાદમાં વધુ સમય પડી રહેતી લાંબા અંતરની 6 ટ્રેનોને રાજકાટ સુધી દોડાવવાની જાહેરતા કરી હતી. ત્યારે લાંબા રૂટની અલગ અલગ ટ્રેનોની રાહ જોઇ રહેલા રાજકોટ સહિતના સૌરાષ્ટ્રવાસીઓ માટે પશ્ચિમ રેલવેએ રાહતના સમાચાર આપ્યા છે. અને ટૂંક સમયમાં માગણી મુજબની છ પૈકી ચાર ટ્રેનોને અમદાવાદથી રાજકોટ સુધી દોડાવાશે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં લોકો અન્ય રાજ્યોમાં આવતા-જતાં હોવા છતાં રાજકોટને મહત્ત્વની ટ્રેનો ફાળવવામાં આવતી નથી. ત્યારે દોઢ વર્ષ પૂર્વે તત્કાલીન રેલવે મંત્રીએ લાંબા રૂટની અમદાવાદ સુધી આવતી અલગ અલગ છ ટ્રેનોને રાજકોટ સુધી લંબાવવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ આ જાહેરાત બાદ રેલવે તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં નહિ આવતા રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના લોકોને અમદાવાદ સુધી જવું પડે છે. ત્યારે કાગડોળે લાંબા રૂટની અલગ અલગ ટ્રેનોની રાહ જોઇ રહેલા રાજકોટ સહિતના સૌરાષ્ટ્રવાસીઓ માટે પશ્ચિમ રેલવેએ રાહતના સમાચાર આપ્યા છે. અને ટૂંક સમયમાં માગણી મુજબની છ પૈકી ચાર ટ્રેનોને અમદાવાદથી રાજકોટ સુધી લંબાવવાની પ્રક્રિયાને તેજ કરી છે.
અમદાવાદમાં વધુ સમય હોલ્ટ કરતા ટ્રેનોને રાજકોટ સુધી દોડાવવાની માગણી છતાંયે પશ્ચિમ રેલવે દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં નહિ આવતા વેસ્ટર્ન રેલવેના ઉચ્ચ અધિકારીને વિવિધ સંગઠનો સહિતનાઓએ લેખિત રજૂઆત કરી તાત્કાલિક જાહેરાત મુજબની ટ્રેનો લંબાવવાની માગણી કરી હતી. અંતે દોઢ વર્ષ જેટલા લાંબા સમય પછી પશ્ચિમ રેલવે દ્વારા છ પૈકી અમદાવાદ-કોલકાતા એક્સપ્રેસ, કોલ્હાપુર એક્સપ્રેસ સહિત ચાર ટ્રેનોને અમદાવાદથી રાજકોટ સુધી લંબાવવા માટેની કાર્યવાહીની તજવીજ શરૂ કરી છે.
																					
																					
																					
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

