
પાલનપુરઃ શહેરમાં નગરપાલિકા દ્વારા બાકીવેરા માટે ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. ઘણાબધા પ્રોપર્ટી ધારકો વારંવાર નોટિસો અને રિમાન્ડર આપવા છતાંયે બાકી વેરો ભરતા નથી. જેમાં કામર્શિયલ પ્રોપર્ટી ટેક્સના બાકીદારો સામે સિલિંગ ઝૂંબેશ શરૂ કરવામાં આવતા છેલ્લા ત્રણ દિવસમાં 50 દુકાનો સીલ કરવામાં આવી હતી, ત્યારબાદ વધુ 40 દુકાનો સીલ કરવામાં આવી હતી. પાલિકા તંત્રની કડક કાર્યવાહીથી વેરા બાકીદારોમાં ફફડાટ પ્રસરી ગયો છે. શહેરના હાઈવે પર આવેલ શ્રીજી બિઝનેસ વર્લ્ડ કોમ્પ્લેક્સમાં આવેલી 40 દુકાનોને સીલ મારવામાં આવી હતી તેમજ અન્ય જુદા-જુદા સ્થળેથી રૂ. 2,20,000 સ્થળ ઉપરથી વસૂલાત કરવામાં આવી હતી.
પાલનપુર નગરપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરના 1થી 11 વોર્ડમાં આવેલી મિલકતોની વેરા વસુલાત ઝુંબેશ તેજ બનાવવામાં આવી છે. જેમાં પાલનપુર-અમદાવાદ હાઈવે પર આવેલા શ્રીજી બિઝનેસ વર્લ્ડ કોમ્પ્લેક્સમાં કુલ 40 દુકાનો સીલ કરવામાં આવી છે. આ દુકાનોનો વેરો રૂ.6,50,000 બાકી હતો જે નોટિસ આપવા છતાંયે ભરવામાં આવતો નહતો. આથી નગરપાલિકાના ટેક્સ ઇન્સ્પેક્ટર સહિતની ટીમ દ્વારા સ્થળ ઉપર જઈ 40 દુકાનોને સીલ કરવામાં આવી હતી તેમજ અન્ય જુદી જુદી દુકાનો પૈકી કુલ રૂ.2,20,000ની વેરા વસૂલાત કરવામાં આવી હતી. પાલિકાની કાર્યવાહીના પગલે અન્ય વેપારીઓમાં ફફડાટ પ્રસરી ગયો છે. તેમજ આગામી દિવસોમાં જે કોઈ વ્યક્તિઓનો વેરો બાકી હશે તેના સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
પાલનપુર નગરપાલિકા દ્વારા બાકીદારો સામે લાલ કરી ત્રણ દિવસથી ઝુબેશ હાથ ધરવામાં આવી છે. કુલ 82 દુકાનો સીલ કરવામાં આવી છે. જેના પગલે વેપારીઓમાં ફફડાટ પ્રસરી ગયો છે.તેમજ ત્રણ દિવસમાં અંદાજિત રૂ.25 લાખ ઉપરાંતની વસૂલાત કરવામાં આવી હોવાનું પાલિકાના સૂત્રોએ ઉમેર્યુ હતુ.