
- ગ્રાહકોને કાર ન મળતા કંપનીના સીઈઓને મળતા ભાંડો ફુટ્યો,
- ઉસ્માનપુરાના જાણીતા શો રૂમમાં જૂન, 2024માં ઠગાઈ થઈ હતી,
- વેઇટિંગ હોવાનું કહી રૂપિયા લીધા, દર વખતે બહાના બતાવતા હતા
અમદાવાદઃ શહેરમાં કારના એક શો રૂમના કર્મચારીઓએ ગ્રાહકોના બુકિંગના રૂપિયા લઈને ફરાર થઈ ગયા છે. શહેરના ઉસ્માનપુરા વિસ્તારમાં આવેલી જાણીતી કાર કંપનીના શો રૂમના મૅનેજર, કેશિયર તેમજ 3 સિનિયર રિલેશનશિપ મૅનેજર મળીને 5 કર્મચારીએ ભેગા મળી 18 ગ્રાહકોના કારના બુકિંગના રૂ.9.65 લાખ કંપનીમાં જમા કરાવ્યા નહતા, ગાડીના બુકીંગમાં વેઈટીંગ હોવાનું કહીને ગ્રાહકો પાસેથી પૈસા લઈ લીધા હતા. તેમજ લોનની પ્રોસેસ પણ કરી દીધી હતી. તેમ કહીને સમય પસાર કરતા હતા. લાંબો સમય થયો છતાંય કારની ડિલિવરી ન કરાતા ગ્રાહકોએ કંપનીના સીઈઓને ફરિયાદ કરતા કર્મચારીઓએ ગ્રાહકો સાથે છેતરપિંડી કર્યાનો ભાંડો ફુટયો હતો.
આ બનાવની વિગત એવી છે કે, જાણીતી કાર કંપનીના 4 શો રૂમ ધરાવતા જશવંતભાઈ પટેલના પીએ તેજસભાઈ પટેલએ ઉસ્માનપુરામાં આવેલા તેમની કંપનીના શો રુમના મેનેજર હિતેશભાઈ પ્રભુભાઈ પટેલ, કેશિયર સંજય વિષ્ણુભાઈ પટેલ તેમજ 3 સિનિયર રિલેશનશિપ મેનેજર વિવેક ભાવેશભાઈ કેલૈયા, ધ્રુવ યોગેશભાઈ કાનાની અને જૈમીન ભરતભાઈ પંચાલ વિરુધ્ધ વાડજ પોલીસ સ્ટેશનમાં છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી. જેમાં આ લોકોએ ભેગા મળીને જૂન 2024 માં જે પણ ગ્રાહકો શો રુમમાં ગાડી બુક કરાવવા આવ્યા હતા. તેમાંથી આ લોકોએ 18 ગ્રાહકો પાસેથી ગાડીના બુકિંગ પેટે રૂ.9.65 લાખ મેળવી લીધા હતા. પરંતુ કંપનીમાં જમા કરાવ્યા ન હતા. જ્યારે કેટલાક ગ્રાહકોની તો લોનની પ્રોસેસ પણ પૂરી કરી દીધી હતી. તેમ છતાં લોકોને ગાડી મળી ન હતી અને આ લોકો વેઈટીંગ હોવાનું કહીને સમય કાઢતા હતા. જો કે 1 વર્ષ જેટલો સમય થઈ ગયો હોવા છતાં ગ્રાહકોને કારની ડિલિવરી નહીં મળતા કેટલાક ગ્રાહકોએ સીઈઓ ને ફરિયાદ કરી હતી. જેના આધારે તેમણે તપાસ કરતા આ 5 કર્મચારીઓએ કુલ 18 ગ્રાહકો પાસેથી રૂ. 9.65 લાખ લઈ કાર નહીં આપી છેતરપિંડી કરી હોવાનું જાણવા મળ્યું હતુ. જોકે ભાંડો ફૂટી જતા તમામ કર્મચારીઓેએ વારા ફરથી નોકરી છોડી દીધી હતી. જ્યારે ફરિયાદના આધારે વાડજ પોલીસે તેમની ધરપકડ કરવા તજવીજ શરૂ કરી હતી.