તાલિબાન શાસન હેઠળ 50% અફઘાન પત્રકારોએ ગુમાવી નોકરી,લગભગ અડધા મીડિયા આઉટલેટ્સ બંધ: રિપોર્ટ
દિલ્હી :નેશનલ જર્નાલિસ્ટ એસોસિએશન (ANJU)ને ટાંકીને અફઘાનિસ્તાનના ટોલો ન્યૂઝ દ્વારા જારી કરાયેલા અહેવાલ મુજબ, દેશમાં તાલિબાન શાસન બાદ ઘણા ફેરફારો જોવા મળ્યા છે.આમાં એક મોટો ફેરફાર એ છે કે દેશમાં 50 ટકાથી વધુ પત્રકારોએ તેમની નોકરી ગુમાવી દીધી છે અને લગભગ અડધા મીડિયા આઉટલેટ્સ બંધ થઈ ગયા છે. આના ઘણા કારણો છે, જેમાંથી એક નાણાકીય કટોકટી છે. રાષ્ટ્રીય પત્રકાર દિવસના અવસર પર પ્રકાશિત અહેવાલમાંથી આ માહિતી બહાર આવી છે.
નોંધપાત્ર વાત એ છે કે, દેશમાં તાલિબાનના પ્રવેશ બાદથી ઘણા ફેરફારો જોવા મળી રહ્યા છે અને ઘણા વિવાદાસ્પદ ફરમાન પણ બહાર પાડવામાં આવ્યા છે. તાજેતરના સમાચાર અનુસાર, તાલિબાને દેશના બે પ્રાંતોમાં ગર્ભનિરોધકના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. તમામ દવાના દુકાનદારોને ચેતવણી પણ આપવામાં આવી છે, તેને પશ્ચિમી દેશોનું ષડયંત્ર ગણાવવામાં આવી રહ્યું છે.
તાલિબાનને લાગે છે કે આ ગર્ભનિરોધકનો ઉપયોગ મુસ્લિમ વસ્તીને નિયંત્રિત કરવા માટે કરવામાં આવે છે. આ કારણોસર, તેમણે ડોર ટુ ડોર ચેતવણી આપી છે કે આ દવાઓનો ઉપયોગ કોઈપણ સંજોગોમાં કરવો જોઈએ નહીં. દુકાનદારોને પણ ધમકી આપવામાં આવી છે, આવી કોઈ દવા સ્ટોકમાં રાખવા દેવામાં આવતી નથી. કાબુલના એક દુકાનદારે આ નવા નિયમ વિશે વિગતવાર જણાવ્યું છે.
આ પહેલા પણ તાલિબાન દ્વારા મહિલાઓ પર ઘણા પ્રકારના પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. હવે અફઘાનિસ્તાનની ખાનગી યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ યુનિવર્સિટીની પ્રવેશ પરીક્ષામાં બેસી શકશે નહીં. નિર્ણય લેવામાં આવ્યો છે કે કોઈપણ છોકરીને પરીક્ષા આપવા દેવામાં આવશે નહીં. નિયમોનું પાલન ન કરનાર યુનિવર્સિટી સામે કડક કાર્યવાહીની પણ વાત કરવામાં આવી છે. આ પહેલા પણ મહિલાઓના પાર્કમાં જવા અને જિમ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.