નવી દિલ્હી, 7 સપ્ટેમ્બર 2026: સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા સંગઠિત સાયબર ક્રાઇમ નેટવર્ક સામે ચલાવવામાં આવી રહેલા દેશવ્યાપી અભિયાન ‘ઓપરેશન ચક્ર-6’ અંતર્ગત એક મોટી સફળતા હાંસલ કરવામાં આવી છે. એજન્સીએ ‘ડિજિટલ અરેસ્ટ’ ફ્રોડના ત્રણ અલગ-અલગ કેસમાં વધુ 5 આરોપીઓની ધરપકડ કરી છે, જેના કારણે આ કૌભાંડમાં અત્યાર સુધી પકડાયેલા શખ્સોની કુલ સંખ્યા વધીને 8 પર પહોંચી ગઈ છે. આ કૌભાંડકારોએ પીડિતો પાસેથી કુલ 42 કરોડ રૂપિયાથી વધુની મસમોટી રકમ પડાવી લીધી હતી.
સીબીઆઈના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, આ તાજેતરની ધરપકડ ત્રણેય કેસોના સંદર્ભમાં દેશના 20 રાજ્યોમાં એકસાથે હાથ ધરવામાં આવેલા 89 સ્થળોના સર્ચ ઓપરેશન અને દરોડા બાદ કરવામાં આવી છે. પકડાયેલા પાંચેય આરોપીઓ ફ્રોડની રકમ સ્વીકારવા, તેને અલગ-અલગ બેંક ખાતાઓમાં ફેરવવા અને આગળ ટ્રાન્સફર કરવાના કાવાસાવામાં સંડોવાયેલા હતા.
મધ્ય પ્રદેશના ઇટારસીથી સંકેત બસ્તવાર અને પંકજ દામાડેની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય આરોપીઓમાં નવી દિલ્હીથી આરિફ ઉર્ફે કિંગ ભાઈ, હરીશ પુરષોત્તમ યાદવ ઉર્ફે હેરી અને ગાઝિયાબાદથી શશાંક સિંહ ઉર્ફે રવિનો સમાવેશ થાય છે. આ શખ્સોએ પીડિતોના નાણાં મેળવવા માટે બેંક ખાતા પૂરા પાડ્યા હતા અને પીડિતોના ફોનમાં મેલિટોરિયસ APK ફાઈલ ઇન્સ્ટોલ કરી બેંક SMS એલર્ટ બ્લોક કરી દીધા હતા જેથી ગુપ્ત રીતે ખાતા ઓપરેટ કરી શકાય.
આ કૌભાંડમાં સાયબર ઠગોએ પોતાને પોલીસ અધિકારી તરીકે ઓળખાવીને ભોળા નાગરિકોને લાંબા સમય સુધી ‘ડિજિટલ અરેસ્ટ’માં રાખ્યા હતા. બિટ્સ પિલાણી કેસમાં પીડિતને ૩ મહિના સુધી ડિજિટલ અરેસ્ટ રાખી 7.67 કરોડ રૂપિયા પડાવ્યા હતા. ગુજરાતમાં એક અન્ય પીડિતને પણ 3 મહિના સુધી કેદમાં રાખી 19.24 કરોડ રૂપિયાની ઠગાઈ આચરી હતી. આ ઉપરાંત કર્ણાટકમાં પીડિતને 1 મહિના સુધી ડિજિટલ અરેસ્ટ રાખી 15.45 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. અગાઉ સીબીઆઈએ હરિયાણાના આકાશ અને કોલકાતાના રાજા કર્માકાર તથા જ્યોતિ રાણીની પણ ધરપકડ કરી હતી. સીબીઆઈ દ્વારા આ આખા સિન્ડિકેટ અને તેના આર્થિક ટ્રેલની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.


