એક વર્ષમાં 63 મુસાફરોને ‘નો ફ્લાય લિસ્ટ’માં મુકાયા: સરકાર
નવી દિલ્હી: રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી વીકે સિંહે જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષમાં કુલ 63 મુસાફરોને આટલા સમયગાળા માટે ‘નો-ફ્લાય લિસ્ટ’માં મૂકવામાં આવ્યા છે. આ નિર્ણય એરલાઈનની આંતરિક સમિતિની ભલામણના આધારે લેવામાં આવ્યો છે. નાગરિક ઉડ્ડયન આવશ્યકતાએ કલમ 3 વાયુ પરિવહન, નાગરિક ઉડ્ડયન આવશ્યકતાઓ વિભાગ 3- એર ટ્રાન્સપોર્ટ, સીરીઝ M અને ભાગ 6 શીર્ષક અનુસાર અનિયંત્રિત/વિઘટનકારી પ્રવાસીઓને સંભાળવા માટે સમિતિ બનાવવામાં આવી છે.
કેન્દ્રીય મંત્રી વીકે સિંહે કહ્યું કે આમાં લઘુશંકાની બે ઘટનાઓનો સમાવેશ થાય છે જે છેલ્લા એક વર્ષમાં ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ના ધ્યાન પર આવી હતી. “મોટા ભાગના મુસાફરોને ‘નો-ફ્લાય લિસ્ટ’ પર મૂકવામાં આવ્યા હતા કારણ કે માસ્ક ન પહેરવા અથવા ક્રૂ મેમ્બર્સની સૂચનાઓનું પાલન ન કરવા સંબંધિત ઉલ્લંઘનોને પગલે લેવા નિર્ણય કરાયો છે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, CARમાં ઉલ્લેખિત જોગવાઈ મુજબ, DGCA દ્વારા એક ‘નો-ફ્લાય લિસ્ટ’ તૈયાર કરવામાં આવે છે જેમાં સામેલ યાત્રી સંબંધિત ચોક્કસ માહિતી, ઓળખ દસ્તાવેજોની સંપર્ક વિગતો, ઘટનાની તારીખ, ક્ષેત્ર, ફ્લાઇટ નંબર, પ્રતિબંધનો સમયગાળો વગેરેનો સમાવેશ થાય છે.