
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાને લીધે સરકારે નવી ભરતી મોકુફ રાખી છે. બીજીબાજુ સરકારમાં અનેક જગ્યાઓ ખાલી છે.પોલીસ વિભાગમાં 1660 પીએસઆઈની જગ્યા હાલમાં ખાલી છે. જો કે કોરોનાની પરિસ્થિતિમાં પોલીસ ફ્રન્ટલાઇન વોરિયર્સ તરીકે કામ કરી રહી હોવાથી પીએસઆઈની જગ્યા હંગામી ધોરણે ભરવા નક્કી કરાયું છે, જે માટે 677 આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર (એએસઆઈ)ને હંગામી ધોરણે 11 મહિના માટે પીએસઆઈ તરીકે પ્રમોશન માટેની પ્રક્રિયા શરૂ કરાઈ છે.
રાજ્યમાં કોરોનાનું સંક્રમણ તોડવા માટે મહાનગરો ઉપરાંત અનેક શહેરોમાં રાત્રિ કરફ્યુ લાદવામાં આવ્યો છે. કોરોનામાં ડોક્ટર, નર્સ બાદ પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ ફ્રન્ટલાઇન વોરિયર્સ તરીકે કામ કરી રહ્યા છે. જોકે તેમાં પણ પીએસઆઈ, પોલીસ ખાતાની કરોડરજ્જુ ગણાય છે, પરંતુ હાલમાં ગુજરાત પોલીસમાં પીએસઆઈની 1660 જગ્યા ખાલી પડી છે, જેથી હાલની કોરોનાની પરિસ્થિતિમાં પીએસઆઈની જગ્યા હંગામી ધોરણે ભરવા માટે ગૃહ વિભાગે પ્રક્રિયા શરૂ કરી છે. હાલમાં 677 એએસઆઈને હંગામી ધોરણે 11 માસ માટે પીએસઆઈ તરીકે પ્રમોશન આપવાનું નક્કી કરાયું છે, જેથી વહીવટી શાખાના પોલીસ મહાનિરીક્ષક બ્રજેશ કુમાર ઝાએ આ અંગે પરિપત્ર કરીને હંગામી ધોરણે પીએસઆઈ બનવા માગતા એએસઆઈને અરજી કરવા જણાવ્યું હતું. ત્રણ વર્ષ પહેલાં ગુજરાતમાં પીએસઆઈની અછત સર્જાતા ગૃહ વિભાગે હંગામી ધોરણે એએસઆઈને પીએસઆઈ તરીકે પ્રમોશન આપ્યા હતા. પીસીબી, ક્રાઇમ બ્રાંચ, એટીએસ સહિતની એજન્સીઓમાં પણ હંગામી પોસ્ટિંગ અપાયાં હતાં. જે પણ એએસઆઈ સામે કોઈ ખાતાકીય ઇન્કવાયરી ચાલતી હોય કે તેમને કોઈ સજા થયેલી હોય તેવા એએસઆઈને હંગામી પીએસઆઈના પ્રમોશનમાંથી બાકાત રખાયાં છે. આવા એએસઆઈને અરજી પણ નહીં કરવા જણાવાયું હતું.