
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીનો છબરડોઃ વિદ્યાર્થીઓને 50 માર્ક્સની પરીક્ષામાં 75 ગુણ આપ્યા
સુરત: વિદ્યાર્થીઓને 50 માર્કની પરીક્ષામાં 75 માર્ક્સ મળે તો, આવો જ એક છબરડો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા સર્જાયો છે. ચોથી ડિસેમ્બરે યોજાયેલી બીએ સેમેસ્ટર-3 ની પરીક્ષામાં વિદ્યાર્થીઓના માર્ક્સમાં છબરડો કરવામાં આવ્યો હતો. 50 ગુણની પરીક્ષામાં 75 અને 74 જેવા માર્ક્સ આવતા વિદ્યાર્થીઓ પણ મૂંઝવણમાં મૂકાઈ ગયા હતા. જેના કારણે ABVP દ્વારા યુનિવર્સિટીના કુલપતિને આવેદન આપી જવાબદાર વિરુદ્ધ જરૂરી કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા હાલમાં ઓનલાઈન પરીક્ષામાં અનેક છબરડાં પ્રકાશમાં આવી રહ્યા છે. ચોથી ડિસેમ્બરે બીએ સેમેસ્ટર-3નું હોમ સાયન્સ 5 હ્યુમન ડેવલમેન્ટ વિષયની પરીક્ષા હતી, જેનું પરિણામ ચોથી તારીખે સાંજે જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ કેટલાક વિદ્યાર્થીઓને 75 અને 74 જેવા માર્ક્સ મળતા વિદ્યાર્થીઓ ચોંકી ગયા હતા. ચોથી ડિસેમ્બરે બીએ સેમેસ્ટર-3ની પરીક્ષામાં પેપર 50 ગુણનું હતું. જેમાં 10 વિદ્યાર્થીઓના ગુણ 50થી વધુ આપવામાં આવ્યા હતા. કેટલાંક વિદ્યાર્થીઓના 50 ગુણના પેપરમાં 74 અને 75 ગુણ પણ આપવામાં આવ્યા હતા. તેથી વિદ્યાર્થીઓ ચોંકી ગયા હતા. જેના કારણે યુનિવર્સિટી કેમ્પસમાં વિવિધ ચર્ચાઓ શરૂ થઈ હતી.
સમગ્ર પ્રકરણમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, , ટેકનિકલ સમસ્યાને કારણે તે વિદ્યાર્થીઓના લોગ ઈન બે વાર થઈ ગયા હતા. પહેલા લોગ ઈન થયા બાદ ટેકનિકલ સમસ્યા આવતા ફરીથી લોગ ઈન કર્યા હતા. જેને કારણે તેઓના ગુણ ડબલ થઈ ગયા હતા. ટેકનિકલ સમસ્યાની ખબર પડી કે તરત જ તે સમસ્યા દૂર કરવામાં આવી હતી અને ગુણમાં સુધારો કરવામાં આવ્યો હતો.