
વલસાડના વાપીમાં 9 ઈંચ અને ઉંમરગામમાં બે કલાકમાં આઠ ઈંચ વરસાદ, દક્ષિણ ગુજરાતમાં જામ્યું ચોમાસું
અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા બે દિવસથી આકાશમાં ઘટાટોપ વાધળો ગોરંભાયા બાદ વરસાદી માહોલ જામ્યો છે.ચોમાસાની શરૂઆતમાં મેઘરાજાએ વરસ્યા બાદ વિરામ લીધો હતો. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સર્જાયેલા લો પ્રેશર અને સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમને પગલે હવે ફરી એકવાર રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે. હવામાન વિભાગ દ્વારા 21મી જુલાઈ સુધી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય તથા ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી જાહેર કરી છે, ત્યારે વલસાડ જિલ્લામાં આજે રવિવારે વહેલી સવારથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. હવામાન વિભાગ દ્વારા વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. સવારે 6 વાગ્યાથી 8 વાગ્યાના બે કલાકમાં વલસાડના ઉમરગામમાં 8.46 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે વાપીમાં 9 ઈંચ, વલસાડમાં 6 ઈંચ, નવસારીના જલાપોરમાં સાડા પાંચ ઈંચ, ગણદેવીમાં 5 ઈંચ, નવસારીમાં સાડા ચાર ઈંચ,ચીખલી, ધરમપુર, અને પારડીમાં 4 ઈંચ, વરસાદ બપોર સુધીમાં પડ્યો હતો. જ્યારે સંઘ પ્રદેશ દમણમાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. દમણમાં છેલ્લા 24 કલાકમાં 9.48 ઇંચ વરસાદ વરસ્યો છે.
વલસાડ જિલ્લાના ઉમરગામમાં બે કલાકમાં 8.46 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે કપરાડામાં 1.42 ઇંચ, ધરમપુરમાં 3 ઇંચ, પારડીમાં 1.46 ઇંચ, વલસાડમાં 4.30 ઈંચ અને વાપી 6.30 ઈંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે. ભારે વરસાદના પગલે વલસાડ શહેરની શાકભાજી માર્કેટમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે. શહેરના છીપવાડના દાણા બજાર અને નાની ખાત્રીવાડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. છીપવાડ રેલવે ગરનાળુ અને મોગરવાડી ગરનાળામાં વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો છે. શાકભાજી માર્કેટમાં વરસાદી પાણી ભરાવો થવાથી શાકભાજી વેંચતા વેપારીઓ હાલાકીનો સામનો કરી રહ્યા છે. ઉમરગામ વિસ્તારમાં 8 ઈંચ વરસાદ ખાબકતા ઉમરગામની પરિસ્થિતિ ગંભીર બની રહી છે. જિલ્લામાં સવારથી ભારે પવન સાથે વરસાદ પડતાં ધરમપુર રોડ ઉપર આંબલીનું મહાકાય વૃક્ષ ધરાશાય થતા વલસાડ ધરમપુરનો મુખ્ય માર્ગ બંધ થઈ ગયો હતો. જેને લઈને એક કલાક સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સ્થાનિક પ્રસાસન દ્વારા ઝાડ હટાવવાની કાનગીરી હાથ ધરવામાં આવી રહી છે. રૂરલ પોલીસની ટીમને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ઝાડને દૂર કરવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
સંઘ પ્રદેશ દમણમાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. દમણમાં છેલ્લા 24 કલાકમાં 9.48 ઇંચ વરસાદ વરસ્યો છે. દમણમાં ભારે વરસાદથી અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેમાં દાભેલ ચેક પોસ્ટ તથા મોટી દમણ, મગરવાડા ઘડિયાળ સર્કલ પાસેના વિસ્તારો સહિત અન્ય વિસ્તારોમાં પાણી ભરાયા છે.