રૂપિયા 2000ની નોટ્સ 97 ટકા જમા થઈ, 10,000 કરોડના મૂલ્યની નોટો હજુ લોકો પાસે પડી છે
અમદાવાદઃ રિઝર્વ બેન્ક દ્વારા ચલણમાંથી રૂપિયા 2000ની નોટ્સ પરત ખેંચી લેવામાં આવ્યા બાદ નોટ્સ બદલવા માટેનો લોકોને પુરતો સમય અપાયો હતો. તમામ બેન્કોમાં બચત ખાતામાં લોકો 2000ની નોટ્સ જમા કરાવી શકતા હતા. ઉપરાંત બેન્કોમાં નોંટ્સ બદલી આપવામાં પણ આપતી હતી. ઉપરાંત પેટ્રોલ પંપોમાં પણ છેક સુધી 2000ની નોટ્સ લેવામાં આવતી હતી, ત્યારબાદ નોટ્સ બદલવાની અવધી પૂર્ણ થતાં માત્ર રિઝર્વ બેન્કની શાખાઓમાં નોટ્સ બદલી અપાતા લોકોની લાઈનો લાગી હતી. નોટ્સ બદલવા માટે પુરતો સમય અપાયા બાદ પણ હજુ 97 ટકા નોટ્સ પરત આવી છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે રૂપિયા 10 હજાર કરોડના મૂલ્યની 2000ની નોટો હજુ પણ લોકો પાસે છે. મધ્યસ્થ બેન્કનું કહેવું છે કે સિસ્ટમાંથી લગભગ 97 ટકાથી વધારે નોટો પરત આવી ચુકી છે.અલબત હજું પણ રૂપિયા 10 હજાર કરોડના મૂલ્યની બેંક નોટ જાહેર જનતા પાસે છે.
ભારતીય ચલણમાંથી 2000ની નોટ્સ ગત 19મી મેના રોજ પરત ખેંચવાની જાહેરાત કરવામાં આવી હતી. આ માટે 30મી સપ્ટેમ્બર સુધીમાં બેંકોમાં જઈને ચલણી નોટો બદલા અથવા તો જમા કરાવા માટે કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ આ માટેની સમય સીમા લંબાવીને 7 ઓક્ટોબર કરવામાં આવી હતી.રિઝર્વ બેંકે એવી પણ માહિતી રજૂ કરી હતી કે 19મી મે,2023ના રોજ કે જ્યારે રૂપિયા 2000ની ચલણી નોટો પરત લેવાની જાહેરાત કરવામાં આવી હતી તે સમયે ચલણ વ્યવસ્થામાં આશરે 3.56 લાખ કરોડની નોટ હતી. હવે 31મી ઓક્ટોબર,2023ના રોજ તે ઘટીને 0.10 લાખ કરોડ એટલે કે 10 હજાર કરોડના મૂલ્યની નોટો વ્યવસ્થામાં છે. આ સમય ગાળા સુધીમાં 97 ટકાથી વધારે નોટોને પરત લેવામાં આવી છે.
																					
																					
																					
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

